કંડલા સ્પે. ઈકોનોમિક ઝોનના 59માં સ્થાપના દિવસની ઉજવણી ગાંધીધામ ખાતે કરવામાં આવી હતી, જેમાં સર્વાધિક એક્સપોર્ટ સહિતની કેટેગરીમાં અવ્વલ આવેલા ઉધોગોનું સન્માન કરાયું હતું. આ ક્ષણે સોપારીકાંડ, ચોરી જેવા મામલાઓ ચર્ચામાં આવતા ઝોનલ ડે. કમિશનરે કાસેઝની સુરક્ષા માટે સીઆઈએસએફ તૈનાત કરાશે તે મહત્વપુર્ણ જાહેરાત કરતા ટ્રેડએ તાળીઓના ગડગડાટથી નિર્ણયને વધાવી લીધો હતો. કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનએ એશિયાનું પ્રથમ સેઝ હતું, જેની સ્થાપના 7 માર્ચ, 1965ના તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ કરી હતી.
ત્યારથી સ્થાપના દિવસ તરીકે કાસેઝ પ્રશાસન તેની દર વર્ષે ઉજવણી કરે છે, જે સંદર્ભે આ વર્ષે પણ મંગળવારના સવારે કચેરી પાસે શાસ્ત્રીજીની પ્રતિમાનું હારારોપણ કરીને ખાનગી હોટલ ખાતે એક્સપોર્ટ એવોર્ડ કાર્યક્રમ અને ફાઉન્ડેશન ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ડીજીએફટી અને ઈનચાર્જ ઝોનલ ડેવલોપમેન્ટ કમિશનર આકાશ તનેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે 7 કરોડના એક્સપોર્ટ સાથે શરૂ થયેલી આ સફર આ વર્ષે માત્ર જાન્યુઆરી સુધીમાંજ 13,140 કરોડના એક્સપોર્ટ સુધી પહોંચી ગઈ છે, આગામી વર્ષે ડાયમન્ટ એનિવર્સરીની તૈયારીઓ થઈ રહી છે, દેશમાંથી થતા તમામ એક્સપોર્ટમાં 30% સેઝ વ્યવસ્થાથીજ થાય છે, કાસેઝમાં 298 યુનિટ થકી 28 હજાર લોકોને રોજગારી મળે છે.
આ સાથે તેમણે કોરોના કાળમાં ઓક્સિજન પ્લાન્ટ, સીલીન્ડરથી કરાયેલી મદદને યાદ કરીને ટુંક સમયમાં ટ્રેડની માંગને ધ્યાનમાં રાખીને કાસેઝની સુરક્ષા માટે સીઆઈએસએફ તૈનાત કરાશે તેવી જાહેરાત કરી હતી. કસ્ટમ કમિશનર ટી. રવીએ “સેઝ’ એક્ટ હટીને “દેશ એક્ટ બનશે તે અંગે માહિતી આપીને ભારતના માત્ર ત્રણ રાજ્યમાં ઉધોગો માટે સિંગલ વિન્ડો અપ્રુવલ વ્યવસ્થા હોવાનું અને તેમા ગુજરાત સામેલ હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજા કાનગડે ગાંધીધામની ક્નેક્ટીવીટી પર ભાર મુક્યો હતો.
કાર્યક્રમમાં નવનિયુક્ત જેડીસી મારુત ત્રીપાઠી, હિમાંશુ ધીમંત, ડીસી કસ્ટમ અનુપ સિંઘ, કાસેઝીયા પ્રમુખ જૈન, આર.જી. ચેલાણી, યુવા ઉધોગપતિ વિવેક મિલાક અને સભ્યો તેમજ ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. એક્સપોર્ટ સહિતની અલગ અલગ કેટેગરીમાં કુલ 18 યુનિટને એવોર્ડ અપાયા હતા. રસાળ શૈલીમાં સંચાલન કરતા એ.કે. સિંઘએ કર્યું હતું, જેમના દ્વારા લીખીત દેશપ્રેમને લગતી કવિતા પણ રજુ કરાઈ હતી.
“અમે છીએ, એટલે તમે છો, ટ્રેડને પરેશાન કરવાનું બંધ કરો’ ટ્રેડ વતી સ્પષ્ટ શબ્દોમાં બેટુક વાત કહેવાઈ
કાસેઝમાં આવેલા ઉધોગોના સમુહ “કાસેઝીયા’ ના પ્રમુખ પારસ જૈનએ આભાર વિધિ સાથે પોતાની આગવી શૈલી મુજબ સેઝ કસ્ટમમાં યુનિટોને કારણવિના કરાતી કનડગત અંગે ખુબ સ્પષ્ટ સંદેશ અગ્રણી બ્યુરોક્રેટ્સની ઉપસ્થિતિમાં આપી દીધો હતો. તેમણે કહ્યું કે ઝોનનો વિકાસ જે ગતી સાથે થવો જોઇએ તે ગતી સાથે થતો નથી. ઉચ્ચ સ્તરના અધિકારીઓ તો સહયોગ માટે વાયદા કરે છે પણ તેના સબકોર્ડીનેટ્સ એટલે કે નીચેના તબક્કાના અધિકારી, કર્મચારીઓની કનગડત ઘણી વધારે છે. તેમણે એલઓપી આપવામાં થતું મોડુ અને તે પાછળના ઉદેશ્યો અંગે પણ ધ્યાન દોરતા કહ્યું કે અગાઉ આ રીન્યુઅલ પ્રક્રિયા સ્વયંસંચાલીત હતી, હવે તે માટે “પ્રયાસ’ કરવા પડે છે. ટ્રેડને પરેશાન કરવાનું બંધ કરો, અમે છીએ એટલે તમે છો!. કાસેઝીયા પ્રમુખએ આ સાથે ભાડામાં કરાયેલો ઘટાડો એક વર્ષ નહિ પરંતુ બે ત્રણ વર્ષ માટે થવો જોઇએ અને તે અંગે હકારાત્મક અભિગમ પણ સાંપડ્યો હોવાનું કહ્યું હતું. એકચોટ તેમની બેટુક વાતથી સભાસ્થળમાં સોંપો પડી ગયો હતો. દબાતા સ્વરે તમામ ટ્રેડમાંથી પણ હાલના દિવસોમાં કસ્ટમ, કાસેઝ અધિકારીઓની સતામણી ખુબ વધી હોવાનો ચણભણાટ પણ સાંભળવા મળ્યો હતો.
ગાંધીધામને એર, રોડ-રેલ ક્નેક્ટિવિટી આપવા કંડલા પોર્ટના પ્રયાસઃ ચેરમેન
ડિપીએ, કંડલા ચેરમેન સંજય મહેતાએ આ પ્રસંગે પોતાના સંબોધનમાં મહત્વપુર્ણ બાબતો કહી હતી. તેમણે જણાવ્યું કે કંડલાને મેગા પોર્ટ બનાવવાની દિશામાં પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેથી શહેરનો વિકાસ માળખાગત રુપે પણ ખુબ જરૂરી છે ત્યારે ગતીશક્તિ અંતર્ગત ગંધીધામની રેલવે, હવાઈ અને રોડ માર્ગે વધુ ક્નેક્ટીવીટી આપવા, દિલ્હીની સીધી ટ્રેન આપવા, વધુ ફ્લાઈટ અને રોડના પહોળીકરણ માટે પ્રસ્તાવ કરાયો છે, જે અંગે સીધા પીએમ સામે રખાશે. તુણા ટેકરા કન્ટૅનર ટર્મિનલથી શહેરની આખી ઈકોસીસ્ટમ બદલાઈ જશે,અહી 18 મીટર જેટલી ડેપ્થ આપવાની જાહેરાત કરાઈ છે, જેથી મોટામાં મોટુ જહાજ અહી લાંગરી શકે. આ સાથે તેમણે ગ્રીન એનર્જી સહિતના મુદાઓ પર છણાવટ કરી હતી.
આ ઉધોગોને એક્સપોર્ટ, સ્વચ્છતા અને ગ્રીન યુનિટ માટે મળ્યા એવોર્ડ
ફુડ કેટેગરીમાં સર્વાધિક એક્સપોર્ટ એવોર્ડ ગોકુલ ઓવરસીઝ, ફાર્મા ક્ષેત્રે મીસનફાર્મા લોજીસ્ટીક્સ, કેમીકલ અને એલાઈડ પ્રોડક્ટ્સમાં ડાયના જ્લીકોલ્સ, જનલર મેન્યુફેક્ચરીંગ પ્રોડક્ટ્સમાં રોયલ પેટ્રો સ્પેશ્યાલીસ્ટ, પ્લાસ્ટિક ક્ષેત્રે મધરસન સુમી સીસ્ટ્મસ, એન્જિનીયરીંગ ક્ષેત્રે આઈએફજીએલ રેફ્રેક્ટ્રોરીસ, યુઝડ ક્લોથ ક્ષેત્રે રાઘવાણી ટેક્સટાઈલ્સ, ટેક્સટાઈલ્સમાં આઈટીએમ સેફ્ટી, સર્વીસ ટ્રેડીંગ ક્ષેત્રે વત્સી કેમીકલ, ઈન્ટ્રા ઝોન સેલ્સમાં ઓસવાલ એગ્રીઈમ્પેક્સ, વેરહાઉસીંગમાં મીલાક એન્ટરપ્રાઈઝ, સ્વચ્છ યુનિટ ક્ષેત્રે મધરસન ઈન્ટરનેશનલ લી., ગેલેન્ટીંક ફાર્મા, ગ્રીન યુનિટ માટે યુએસ ક્લોથીંગ, રોજગારી માટે આઈએફજીએલ રેફ્રીક્ટ્રોકીસ લી., બેસ્ટ સેઝ ઓફ ગુજરાત માટૅ ગીફ્ટ સેઝ, ઉતમ વૃદ્ધી માટે જીઆઈડીસી ઈલેક્ટ્રોનીક્સ પાર્ક સેઝ, ઉતમ પર્ફોમન્સ માટે ફાર્મા સેઝ ઝાયડેસનું સન્માન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.