નવી મુંબઈના નેરુલમાં બુધવારે સાંજે એમ્પીરિયા બિલ્ડર ગૃપના પાર્ટનર સવજી મંજેરી (પટેલ)ની થયેલી હત્યાબાદ પોલીસે નજીકના તેમના ભાગીદારો, પરિવારજનોના નિવેદન લઇ રહી છે જેમાં મૃતક સવજીભાઇના પાર્ટનરે હત્યા પાછળ અંજારના વરસામેડીનું જમીન કૌભાંડ હોવાની દ્રઢ આશંકા પોલીસ સમક્ષ નિવેદન આપતાં વ્યક્ત કરી છે. તેમની હત્યા બાદ ઘટનાસ્થળેથી એક કિલોમીટર દૂર હત્યારાઓએ ઉપયોગમાં લીધેલું બાઈક બિનવારસુ હાલતમાં પોલીસને મળી આવ્યું હતું. પરંતુ, હત્યારાઓ અંગે પોલીસને કશી ચોક્કસ કડી મળી નથી. પોલીસે ઘટનામાં અંગત અદાવતમાં અંજામ અપાયો હોવાની દિશામાંતપાસ હાથ ધરી છે.તો આ નિવેદનોના આધારે મુંબઈ પોલીસની એક ટીમ કચ્છમાં પણ તપાસ કરી રહી છે.
એમ્પીરિયા ગૃપના પાર્ટનર મુકેશ ચૌધરીએ મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે, સવજીભાઈ મોટાભાગનો સમય કચ્છમાં જ ગાળતા હતા. નવી મુંબઈમાં તેમનો પુત્ર ધીરજ અને અન્ય પાર્ટનરો જ ધંધો સંભાળતા હતા. સવજીભાઈ મુખ્યત્વે કચ્છની જમીનના વ્યવહારો પર અને કુટુંબ પરિવારમાં ધ્યાન આપતા હતા. ચૌધરીએ વરસામેડીના જમીન કૌભાંડનો ઉલ્લેખ કરી પોલીસને તે કેસમાં ઊંડા ઉતરવા જણાવ્યું છે.કંડલા એરપોર્ટ નજીક વરસામેડી રોડ પર સવજીભાઈની માલિકીની 34 એકર જમીનને બોગસ આધારો, ફેક ફોટો અને સહી મારફતે ભૂમાફિયાઓએ વેચી મારવા પ્રયાસ કર્યો હતો, જે અંગે સવજીભાઈએ ગયા મહિને જ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે આ ગેન્ગ બનાવટી દસ્તાવેજોથી પહેલાં જમીન પોતાના નામે કરાવી લે છે.
અને પછી મૂળ માલિક કાયદેસર કાર્યવાહી કરે ત્યારે એ જમીન પાછી તેના નામે કરવા સમાધાનના નામે ખંડણી પડાવે છે. હમણાં જ એક પાર્ટી પાસેથી આ ગેંગે દોઢ કરોડ રૂપિયા પડાવ્યાં હોવાનું જાણવા મળેલું. સવજીભાઈને પણ કોઈ વચેટિયાએ એ રીતે સમાધાન કરી આપવાની ઓફર કરી હતી. પરંતુ, તેમાં આગળ શું થયું તેની વધુ ખબર નથી તેમ તેઓએ જણાવ્યું હતું .સવજીભાઈની હત્યા સોપારી આપીને કરાવાઈ હોવાનું પોલીસ માની રહી છે. હાલ મુંબઈ પોલીસ કચ્છ કનેક્શન સંદર્ભે ગહન તપાસ કરી રહી છે.
રાપરમાં છેડતીના બનાવ બાદ મારામારીના કેસમાં નામ ખુલ્યું હતું
રાપરમાં ડિસેમ્બર-2022 માં પણ છેડતીના બનાવ બાદ સવજીભાઇ વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ તા.11 ડિસેમ્બરના રોજ બાઇક પર જતા એક ઇસમે અને મહિલાએ સેલારી નાકે રહેતા પ્રૌઢને રોકી સવજીભાઇ વિરૂધ્ધ ફરિયાદ પાછી ખેંચી લેવાનું જણાવી ધોકા વડે માર માર્યો હોવાની ઘટનામાં પણ તેમનું નામ ખુલ્યું હતું. આ તમામ પાસાઓ જોઇ હત્યાનો રેલો કચ્છ સુધી પહોંચે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.