ભચાઉના લાકડિયા પોલીસ મથકે ડીટેઇન કરેલા 33 વાહનો અંજાર આરટીઓની બોગસ રસીદો બતાવી છોડાવી જવાયા હોવાની ફરિયાદ આરટીઓ કચેરીના ક્લાર્કે નોંધાવ્યા બાદ સ્થાનિક પોલીસે આ બોગસ રસીદ બનાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લઇ પર્દાફાશ કર્યો હતો.
આ બાબતે પીઆઇ રાકેશ વસાવાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંજાર આરટીઓના જૂનિયર ક્લાર્ક ધીરેન ગુંસાઈએ લાકડીયા પોલીસ મથકે નોંધાવી હતી કે તા.29/4/2022ના રોજ લાકડીયા પોલીસે ડીટેઈન કરેલી GJ-12 DQ-0541 નંબરની મોટર સાયકલને આરટીઓમાં દંડ ભર્યાની બોગસ પહોંચના આધારે મુક્ત કરી દેવાઈ હોવાની ઘટનામાં અંજાર આરટીઓએ ઝીણવટભરી તપાસ કરતાં આ કૌભાંડ બહાર આવ્યું છે.તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2022 થી તા.23/4/2022 દરમિયાન લાકડિયા પોલીસે ડીટેઇન કરેલા વાહનો પૈકી 33 વાહનો બોગસ રસીદ પર મુક્ત કરી દેવાયા છે.
તેમણે આ તમામ વાહનોના નંબર સહિત ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આ કૌભાંડને કારણે સરકારી તિજોરીને રૂ.1,99,500 નું નુકશાન પહોંચ્યું છે. આ ફરિયાદ નોંધાવાયા બાદ ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ આ કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.
તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી મળેલી બાતમીના આધારે આરટીઓના સહી સિક્કા વાળી બોગસ રસીદ બનાવી વાહનો છોડાવનાર મુળ રાપરના નાંદાના હાલે ગળપાદરની વર્ધમાન સોસાયટીમાં રહેતા 27 વર્ષીય ભાવેશસિંહ ઉર્ફે ભાવુભા મહિપતસિંહ જાડેજાને ગણતરીના કલાકોમાં પકડી લઇ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
આરોપી 3 દિવસના રિમાન્ડ હેઠળ ધકેલાયો
અંજાર આરટીઓની બોગસ રસીદો બનાવી લાકડીયા પોલીસે ડીટેઇન કરેલા 33 વાહનો છોડાવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડનાર આરોપી ભાવેશસિંહ .ર્ફે ભાવુભાને લાકડિયા પોલીસે પકડી કોર્ટમાં રીમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો. જેમાં કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. હાલ આરોપી ત્રણ દિવસના રીમાન્ડ હેઠળ ધકેલાયો છે.
મોટું રેકેટ બહાર આવવાની શક્યાતાઓ જોવાઇ રહી છે
પશ્ચિમ કચ્છ આરટીઓના મોટા કૌભાંડોનો ભાંડો ફૂટ્યા બાદ હવે પુર્વ કચ્છમાં પણ લાકડીયાના બનાવ બાદ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અંજાર આરટીઓના સહી સિક્કા સાથેની બોગસ રસીદ બનાવી આચરાયેલા આ કૌભાંડમાં આરોપીની રિમાન્ડ દરમિયાન મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. હાલ આ બનાવથી અનેક આવા કૌભાંડી તત્વોના પગ નીચેથી જમીન સરકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.