અભેદ સુરક્ષા પર સવાલ:કાસેઝની ગુટખા કંપનીમાં રાખેલી રૂા. 4.05 લાખની સોપારીની 25 બોરી તફડાવાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુક્ત વ્યાપાર ક્ષેત્રમાં એક જ મહિનામાં 3 ચોરી સહિત 6 માસમાં 5 ઘટનાથી અભેદ સુરક્ષા પર સવાલ
  • તા.29/5 થી તા.7/6 દરમિયાન શેડના પતરાં ખોલી આ ચોરી કરાઇ હોવાનું પ્રોડક્શન સુપરવાઇઝરે જણાવ્યું

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જડબેસલાક લોખંડી સુરક્ષા વચ્ચે તસ્કરોએ આ જ મહિનામાં ત્રીજી ચોરી સહિત 6 માસમાં 5 ઘટનાને અંજામ આપી દેતાં હવે આ અભેદ સુરક્ષા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. હવે તા.29/5 થી તા.7/6 દરમિયાન કાસેઝમાં આવેલી ગુટખાની કંપનીના શેડના પતરાં ખોલી રૂ.4.05 લાખની કિંમતની સોપારીની 25 બોરી ચોરી થઇ હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

કાસેઝમાં આવેલી એચ.એલ.કોમોડિટીઝ કંપનીમાં પ્રોડક્શન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ રામકુમાર મૌર્યાએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની કંપની ગુટખાનું ઉત્પાદન કરી સરકારના નિયમો મુજબ વિદેશમાં નિકાસ કરવાનું કામ કરે છે. કંપનીએ ઇન્ડોનેશિયાથી આયાત કરેલી સોપારીની બોરીઓ રાખેલી હતી.

તા.7/6 ના રોજ સવારે 11 વાગ્યે તેઓ કંપનીના રવિભાઇ પરમાર અને મુકેશ ઠક્કર સાથે કંપનીમાં રાખવામાં આવેલા મુદ્દામાલની ગણતરી કરી રહ્યા હતા ત્યારે માલ ઓછો જણાતાં ચોરી થવાનો ખ્યાલ આવ્યો હતો. તેમણે તા.29/5 થી તા.7/6 દરમિયાન અજાણ્યા તસ્કરોએ કંપનીના શેડના પતરા ખોલી રૂ.4,05,000 ની કિંમતની 2,000 કિલોગ્રામ સોપારીની 25 બોરી ચોરી કરી હતી. PI પી.એન.ઝીંઝુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.

સીસીટીવી ફૂટેજ ચકાસતાં 4 શખ્સે ત્રણ વખત પ્રવેશી ચોરીને અંજામ આપ્યો
આ ઘટનામાં ફરિયાદી બનેલા કંપનીના સુપરવાઇઝરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતા઼ કંપનીમાં લાગેલા સીસી ટીવી ફૂટેજ તપાસતાં તા.29/5 ના રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ચાર ઇસમો શેડના પતરા ખોલી દોરી વડે નીચે ઉતરી ચોરી કરતા નજરે પડે છે, ત્યારબાદ તા.31/5 ના પણ એ જ સમયે રાત્રે એ જ રીતે અને તા. 7/6 ના પણ એ જ રીતે ચાર તસ્કરોએ પ્રવેશ કરી આ ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે.

ઘર કા ભેદી લંકા ઢાયે જેવો તાલ અહીં સર્જાય છે :સૂત્રો
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લોખંડી સુરક્ષા લાદવામાં આવી છે વળી પોલીસ, કસ્ટમ જેવી સુરક્ષા એજન્સીઓની નજર આ જગ્યાએ આમ જોવા જાવ તો ચોરી કરવી અશક્ય છે પરંતુ તેમ છતાં આ મુક્ત વ્યાપાર ક્ષેત્રમાં તસ્કરો મુક્ત પણે ચોરીને અંજામ આપી રહ્યા છે જણાવી આંતરિક સૂત્રોએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અહીં તો ઘર કા ભેદી લંકા ઢાયે જેવો તાસ સર્જાય છે. અમુક ચોરીની ઘટનાઓ તો નો઼ધાતી પણ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કાસેઝમાં 6 માસમાં આ 5 ચોરીની ઘટના નોંધાઇ

  • તા.17/1 કાસેઝના વેરહાઉસમાંથી 1.75 લાખની ચોરી થઇ હતી
  • તા.22/3થી તા.24/3 ના કાસેઝની એસડબલ્યુજી ન્યૂટ્રાસ્યુટિકલ કંપનીમાંથી 7.91 લાખના પ્રોટિન પાવડરના 448 બોક્સ ચોરાયા હતા
  • તા.1/6 ના લેકમી લીવર કંપનીમાંથી 60 કિલોગ્રામ ભંગારીની ચોરી નોંધાઇ હતી
  • તા.4/6 યુનિલીવર ઇન્ડીયા એક્સપોર્ટ કંપનીમાંથી શેમ્પુની 40 બોટલો ચોરાઇ હતી
  • તા.29/5થી તા.7/6 દરમિયાન એચ.એલ.કોમોડિટીઝ ગુટખાની કંપનીમાંથી રૂ.4.05 લાખની સોપારીની 25 બોરી ચોરી થઇ હોવાની ઘટના નોંધાઇ છે.
અન્ય સમાચારો પણ છે...