લોકદરબારનું આયોજન:વ્યાજખોરો સામે કચ્છ પોલીસની લાલ આંખ; પીડિતોને બિન્દાસ્ત રજૂઆત કરવા આઈજીએ અપીલ કરી

ગાંધીધામએક મહિનો પહેલા

વ્યાજ વટાઉનો ગેરકાયદેસર ધંધો કરી અને નિર્દોષ તથા જરૂરીયાતમંદોને ફસાવી તેમની મજબૂરીનો ગેરલાભ ઉઠાવનારા સામે કચ્છ પોલીસે લાલઆંખ કરી છે. ત્યારે આજરોજ ગાંધીધામના આદિપુર મથકે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વ્યાજખોરીનો ભોગ લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને તેના પર કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. કચ્છ બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલીયા દ્વારા ‘એક તક પોલીસને’ સુત્ર હેઠળ આ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંપૂર્ણ સહકારની ખાતરી આપી
આઈજી જે.આર. મોથાલીયા આજરોજ અહીં સવારે 12 કલાકે યોજાયેલા લોકદરબારમાં લોકોની વ્યથાઓ સાંભળી હતી. આઈજીએ ખાત્તરી આપીને કહ્યું હતું કે વ્યાજખોરીને જડમુળથી ઉખેડી ફેંકવા અમારી પોલીસ સજજ છે. જે કોઈ પણ ભોગ બનેલા હોય તેઓ બિનદાસ્ત રીતે તેમની વ્યથા રજૂ કરી શકે છે અને કાર્યવાહીની સામે પણ અસંતોષ થયો હોય તો એ બાબતે પણ રજૂઆત કરી શકે છે. આજરોજ આવેલી રજુઆતોનો ત્રણથી સાત દિવસમાં નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી આઈજીએ આપી હતી. આ તકે તેમણે રજૂઆત કરનારાઓને પૂરતા આધારો સાથે અરજી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત વ્યાજથી નાણાં લેતા પહેલાં પૂરતા આધાર પુરાવા લેવા અને કઈ રીતે નાણાં પરત આપવામાં આવશે એ નક્કી કરી લેવા સૂચન આપ્યું હતું. જો કોઈ જાણકારી બહાર વધુ વ્યાજ લેતા હોય તો તત્કાલ પોલીસ ફરિયાદ કરવા તેમણે અનુરોધ કર્યો હતો અને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.

પોલીસ બેડાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં
આ પહેલા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાએ કહ્યું હતું કે, આ રીતે કચ્છ બોર્ડર રેન્જમાં અલગ અલગ રીતે લોકદરબારના ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે. બગડીયાએ વધુમાં કહ્યું કે આગામી 10મીએ ભચાઉ ડિવિઝનમાં અને તે બાદ અંજાર ખાતે પણ આવા લોકદરબારનું આયોજન કરવામાં આવશે. આજે જે પણ અરજીઓ આવશે અને ફરીયાદ આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને થયેલી કાર્યવાહી ચોકકસથી મીડિયા સમક્ષ પણ મુકવામાં આવશે. આજરોજ યોજાયેલા લોકદરબારમાં વિવિધ અગ્રણીઓ, રજૂઆતકર્તાઓ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ બેડાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...