નિરીક્ષણ:ટ્રેડ માટે રેલ સુવિધાઓ વધારાશે,‘વંદે ભારત’ટ્રેન દોડાવવાની સંભાવના

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવેના જનરલ મેનેજરે પચરંગી શહેર ગાંધીધામની મુલાકાત લઈને પ્રોજેક્ટોનું નિરીક્ષણ કર્યું
  • ટૂંક સમયમાં ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવાના સ્પષ્ટ સંકેત સાથે જરૂરી સૂચનો કર્યા

ગાંધીધામ રેલવે સ્ટેશન પર પોતાના વિશેષ કોચ સાથે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા બુધવારે પહોંચી આવ્યા હતા. નિયમીત વાર્ષિક નિરીક્ષણ દરમ્યાન તેમણે વિવિધ બાબતોએ સૂચના આપીને પ્રસાર માધ્યમો સાથે વાત કરતા ટ્રેડ માટે સુવિધાઓ વધારવામાં આવશે અને ગાંધીધામ કે ભુજ થી અમદાવાદની ઇન્ટરસીટી પણ ટૂંક સમયમાં શરૂ કરાશે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. દિવ્ય ભાસ્કર દ્વારા વંદે ભારત ને કચ્છથી દોડાવાશે કે કેમ ? તો તે ઈન્ટરસીટીનો હેતુ પણ સર થઈ જાય તે પ્રશ્નના જવાબનાં અભ્યાસ ચાલુ હોવાનું કહીને હકારાત્મક સંભાવનાઓ જીએમ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

દરેક રેલવેના જીએમ દ્વારા મુખ્ય સેન્ટર તેમજ નવા મહત્વપુર્ણ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવાનો ધારો છે, જે અનુસાર બુધવારે સવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર લાંબા સમયગાળા બાદ અને હાલ પદભાર સંભાળતા અશોકુમાર પ્રથમ વાર ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા. રેલવે સ્ટેશને વહેલી સવારે પહોંચી આવતા ડીઆરએમ તરુણ જૈન, એઆરએમ આદીશ પઠાણીયાએ સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ શરૂ થયેલા દોઢેક કલાકની નિરીક્ષણ પ્રક્રિયામાં જીએમ એ નવ નિર્મિત ગુડ્ઝ શેડ, રેલવે સ્ટેશન, તેનો વેઈટીંગ રુમ, સહિત પ્લેટફોર્મ પર ચાલીને તમામ વ્યવસ્થાઓને ચકાસી જરૂરી સુચનો આપ્યા હતા.

આ દરમ્યાન તેવો ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, ફોકીયા, અગ્રવાલ સમાજ, સલાહકાર સમિતિ સાથે મુલાકાત લઈને તેમની રજુઆતોને સાંભળી હતી. પ્રસાર માધ્યમો સાથે વાત કરતા તેમણે ગાંધીધામ થી અમદાવાદની ઈન્ટરસીટીની જુની માંગને બહુ જલદી સંતોષવામાં આવશે તેમ જણાવ્યું હતું, શું આ માંગ \"વંદે ભારત' ના સંદર્ભમાં પણ સંતોષાઈ શકે તેવી શક્યતા છે? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે વંદે ભારત ઘણા સ્થળો પર શરૂ કરવાનો વિચાર હોવાનું જણાવીને તે માટે અભ્યાસ કરાઈ રહ્યો હોવાનું જણાવીને સંભાવનાની બારીને હકારાત્મક દિશામાં ખુલ્લી મુકી દીધી હતી.

નલીયા બ્રોડગેજથી આગળ લખપત સુધી રેલવે ટ્રેક લઈ જવા મુદે તેમણે પ્રાથમિક કાર્યોની સુચિમાં ન હોવાનું કહ્યું હતું. ગાંધીધામ પોર્ટ સીટી હોવાના કારણે અહી કાર્ગોનું ભારણ સારા પ્રમાણમાં રહે છે, જે રેલવે માટે મોટા આર્થિક ઉપાર્જનનું કારણ બને છે. જેથી ટ્રેડને વધુને વધુ સગવડો આપવા વિવિધ સુવિધાઓનું કાર્ય હાલ ચાલી રહ્યું છે, જેથી તેમની મહતમ માંગો સંતોષ સકાશે. મુલાકાતમાં જીએમ સાથે ડીઆરએમ, એઆરએમ સાથે 7 પીએચઓડી, સેક્રેટરી એસ.કે. સિંઘ, કોમર્શીયલ મેનેજર વિવેક મીશ્રા, સ્ટેશન માસ્ટર કૃષ્ણકુમાર શર્મા સહિતના રેલવે અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે ઉપસ્થિત જોવા મળ્યા હતા.

ટ્રેનમાં દારુ લવાતો હોવાની ફરિયાદ કરાઇ
જીએમ સમક્ષ ટ્રેનમાં અહિ દારુનો જથ્થો લઈ અવાતો હોવાની રાવ કરાઈ હતી, જે અંગે તેમણે પ્રસાર માધ્યમો સાથે પણ વાત કરતા તે પર કઠોર કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. દેવરીયા લાલજીભાઈ રજુઆત કરતા વિવિધ મુદાઓ સામે રાખ્યા હતા, જેમાં ગાંધીધામ પાલનપુર ટ્રેનના નોન એસી ડબ્બાઓમાં રીઝર્વેશન ચાલુ કરવા, હરિદ્વાર યાત્રાની સીધી ટ્રેન, ગાંધીધામ દિલ્હી ટ્રેનમાં ફસ્ટ એસી કોચ લગાવવા, સોરાષ્ટ્ર સાથે ટ્રેન વ્યવહાર ચાલુ કરવા સહિતના મુદાઓ સમાવાયા હતા.

લોકદરબાર કરાય તો લોકોની માંગો ઉપર યોગ્ય રૂપે ધ્યાન આપી શકાય : કોંગ્રેસ
ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધીએ જીએમની મુલાકાતમાં દર વર્ષ સરખા પ્રશ્નોજ કરાતા હોવાની રાવ કરીને લોક દરબાર કરવો જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે ઈન્ટરસીટીનો પ્રશ્ન દશકાથી ચાલતો હોવા છતાં ઉકેલ ન આવતો હોવાનો, રેલવે હોસ્પિટલ રિફંડ જેવા પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા હતા.

"ઉતર અને દક્ષિણ ભારતની ટ્રેનો શરૂ કરો, ગોપાલપુરી સ્ટેશન વિકસાવો ’
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 14 મુદાઓ અંગે રજુઆત
કચ્છના રેલવે સંદર્ભે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે ગાંધીધામ ચેમ્બર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ચેમ્બરે 14 જેટલા વિવિધ મુદાઓ અંગે રજુઆત કરી હતી. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું કે માલ સામાન ક્ષેત્રે અકલ્પનીય વિકાસની સંભાવનાઓ અહી રહેલી છે. મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું કે તુણા ટેકરા પોર્ટ પ્રોજેક્ટથી ઘણી સદભાવનાઓ છે, તો આંતરિક રેલવેના માળખાને મજબુત કરવા ભારતના ઉતર અને દક્ષીણ ભાગના રેલવે માળખાને મજબુત તેમજ ગોપાલપુરી સ્ટેશનનો વિકાસ કરીને આદિપુર સ્ટેશનમાં સુવિધાઓ વધારવી જરૂરી છે. આ સમયે બચુભાઈ આહીર, રાકેશ જૈન, હરીશ માહેશ્વરી,જગદીશ નાહટા સહિતના સભ્યોએ હાજર રહ્યા હતા.

‘1.5 લાખ કરોડના રોકાણને આકર્ષનાર કચ્છને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે’
ફોકિયાના પ્રતિનીધી મંડળે જુના વાયદાઓ યાદ કરાવ્યા
ગાંધીધામ આવેલા જીએમને ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનએ પણ મુલાકાત કરીને વિવિધ મુદાઓ પર રજુઆત કરતા જણાવ્યું હતું કે 2000થી અત્યાર સુધી જિલ્લામાં દોઢ લાખ કરોડનું રોકાણ થયું છે, જિલ્લાને વધુ પ્રમોટ કરવામાં આવે તે જરૂરી છે. ફોકીઆના એમડી નીમીષ ફડકે, પ્રતિનીધી મંડળ દ્વારા અપાયેલા પત્રમાં ફોકીયાની વિવિધ સરકારી વિભાગોમાં સક્રિયાઓ અંગે અવગત કરાવીને સામખિયાળી વીરમગામ અને સામખિયાળી પાલનપુર રેલવે ટ્રેકમાં ઝડપી વિધૃતિકરણ માટે આવકાર આપ્યો હતો.

તો આદિપુર મુંદ્રા વચ્ચે અને માંડવી માટે નવી પેસેન્જર અને કાર્ગો લાઈન નાખવાની માંગ ફરી યાદ કરાવાઈ હતી. આ સાથે ભુજ નલીયા, નલીયા વાયોર, વાયોર કોટેશ્વરની ક્નેક્ટીવીટીથી સીમેન્ટ ઉધોગને ફાયદો થશે તેમ જણાવીને અત્યાર સુધીમા રેલવેના મંત્રી અને અધિકારીઓની મુલાકાતમાં કરાયેલી રજુઆત અને તે સામે વર્તમાન પરિસ્થિતિઓનું મુલ્યાંકન રજુ કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...