પ્રવાસીઓમાં ભય:સયાજીનગરીના એસી કોચમાંથી 1.24 લાખની માલમત્તા ચોરાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ આવતી ટ્રેનોમાં સતત બનતી ચોરીની ઘટનાઓથી પ્રવાસીઓમાં ભય

કચ્છ આવતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી કચ્છ ફરવા આવતી ત્રણ સહેલીઓને કડવો અનુભવ થયો છે જેમાં આ ટ્રેનના એસી કોચમાંથી રૂ. 1.24 લાખની મત્તા ચોરાઇ જતાં ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીધામ રેલ્વે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મુળ ગાઝીયાબાદના 55 વર્ષીય નિતિસિન્હા મુકેશ મોહનસિંગ સિંગ અને તેમની બે સહેલી નિતા કેજરીવાલ અને નિશીસિન્હા ત્રણે જણા અમદાવાદથી સયાજીનગરી ટ્રેનમાં ગત રાત્રે 12:25 વાગ્યે નિકળ્યા હતા તેમનું બુકિંગ એસી કોચ એ/1 માં 19,20,21 માં હતી. તેઓ બે મોબાઇલ ચાર્જમાં રાખી પર્સ બાજુમાં રાખી સૂઇ ગયા હતા. પરોઢે સાડા પાંચ વાગ્યે જ્યારે તેઓ જાગ્યા ત્યારે બે મોબાઇલ અને લેડિઝ બેગ જોવા મળ્યું ન હતું.

ટ્રેન ગાંધીધામ સ્ટેશનેથી ઉપડી રહી હતી. તેમણે ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદથી ગાંધીધામ સુધીમાં સયાજીનગરીના એસી કોચમાંથી કોઇ અજાણ્યો ઇસમ રૂ.99,900 ની કિંમતનો આઇફોન, જેના કવરમાં આઇસીઆઇસીઆઇનું ડેબિટ કાર્ડ પણ હતું, બીજો રૂ.10,000 ની કિંમતનો મોબાઇલ, રૂ.15,000 રોકડા, લેડિઝ બેગમાં ચેકબુક, ક્રેડિટ કાર્ડ , મેકઅપ કિટ સહિત કુલ રૂ.1,24,900 ની મત્તા ચોરી ગયો છે.

કચ્છ આવતી ટ્રેનોના સ્લીપર અને ચાલુ ડબામાં ચોરીઓની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે પણ તસ્કરોના ત્રાસથી હવે એસી કોચ પણ સલામત રહ્યા નથી, શું રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેનના મુસાફરો માટે સુરક્ષા વ્યવસ્થા નથી કરાતી તેવા સવાલો ઉભી કરે છે આવી ઘટનાઓ અને જો ટ્રેનમાં સુરક્ષા કર્મીઓ રખાય છે તો કરે છે શું તે પણ સવાલ ઉઠી રહ્યા છે.

હજી એક દિવસ પહેલાં જ ગાંધીધામની મુલાકાતે આવેલા પશ્ચિમ કચ્છ રેલ્વેના જીએમ સમક્ષ પત્રકારોએ કચ્છ આવતી ટ્રેનમાં ચોરીઓની ઘટના, દારૂ અને માદક પદાર્થની હેરફેર વધી રહી છે તે દિશામાં શું પગલાં લેવાહે તેવા સવાલો કર્યા હતા અને બીજા જ દિવસે સયાજી નગરી ટ્રેનના એસી કોચમાંથી મહિલા પ્રવાસીની 1.24 લાખની મત્તાની ચોરીની ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...