માંગ:પૂર્વ કચ્છને જિલ્લા સ્તરની હોસ્પિટલ આપો

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ ચેમ્બરે આરોગ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી

એક તરફ ભારત જ્યારે 75મા વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશના સહુથી મોટા જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાઓને અદ્યતન કરી રામબાગ હોસ્પિટલને જિલ્લા સ્તરની બનાવવાની માંગ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજયના આરોગ્યમંત્રીને પત્ર પાઠવીને કરાઇ છે.ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઇ કાનગડે જણાવ્યું હતું કે, કચ્છના લલાટે અગાઉના વર્ષોમાં દુષ્કાળ, વાવાઝોડાં કે વિનાશક ભૂકંપની માર ઝેલાઈ છે

ત્યારે અધુરામાં પુરૂં ગત બે વર્ષો દરમ્યાન કોરોના મહામારીને કારણે ગરીબ-મધ્યમ વર્ગ જ નહિં શ્રીમંત વર્ગને પણ આરોગ્યની દૃષ્ટિએ મહામૂલી જીંદગીનું મહત્વ સમજાયું છે.આવા સંજોગોમાં ભુજ કચ્છની એકમાત્ર જિલ્લા સ્તરની હોસ્પિટલનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું હોઇ, પૂર્વ કચ્છના તમામ શહેર કે ગ્રામ્ય વિસ્તારોને આદિપુર-ગાંધીધામ સ્થિત રામબાગ હોસ્પિટલમાં, કોરોના મહામારી જેવા ઇમરજન્સીમાં પણ ભુજ સુધીના ધક્કા ખાવા પડ્યા હતા અથવા ના છુટકે ખાનગી હોસ્પિટલોમાં કે ત્યાં પણ જગ્યાના અભાવે રાજકોટ કે અમદાવાદ તરફ દોડવાની ફરજ પડી હતી.

જે તે સમયે રામાબગ હોસ્પિટલે અપુરતા સાધનો અને ઓછા મહેકમ વચ્ચે રહીને પણ દર્દીઓની સારવાર માટે શક્ય તેટલા પ્રયાસો આદરેલા, તેમ છતાં હાલે સમયની માંગ છે કે, આ હોસ્પિટલને નિષ્ણાત તબીબો, પુરતું મહેકમ તથા અદ્યતન સાધનો સાથેની તમામ સુવિધાઓ વહેલી તકે પુરી પાડી સ્થાનિકે જ સમયસર સારવાર ઉપલબ્ધ થાય તેવા તમામ વિભાગો ત્વરિત ગતિએ કાર્યરત કરવા જોઇએ,વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલે રામબાગ હોસ્પિટલ ખાતે હયાત માળખું 150 બેડની સગવડતા સાથેનું તૈયાર જ છે, જરૂર છે તેને અપગ્રેડ કરી જિલ્લા સ્તરની બનાવીને કાર્યાન્વિત કરવાની ગાંધીધામ ચેમ્બર લાંબા સમયથી આ માંગણી દોહરાવી રહયું છે, તેવું ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિથણીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઔદ્યોગિકનગરીમાં વાતાવરણથી ઉદ્દભવતી સમસ્યાનું નિરાકરણ જરૂરી
ભૂકંપ બાદ અહીં ઘણા ઉદ્યોગો સ્થાપિત થયા છે તથા દેશના બે મહાબંદરો પર થતી આયાત-નિકાસને કારણે, ટ્રાન્સપોર્ટની આવન-જાવનને લીધે થતાં અકસ્માતો કે પ્રદુષિત વાતાવરણને કારણે ઉદભવતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિરાકરણ અર્થે પણ સ્થાનિક પ્રતિનિધિઓએ આગળ આવી ગાંધીધામ ચેમ્બરની આ વ્યાજબી માંગને વધાવી યોગ્ય માધ્યમ દ્વારા સમસ્યાને હલ કરવા ખાસ અનુરોધ કરાયો છે

અન્ય સમાચારો પણ છે...