કંડલા અને ગાંધીધામ સંકુલમાં આયોજનબધ્ધ રીતે કોલસાની ચોરીઓ થતી હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં નોંધાઇ ચૂકી છે, તેવામાં ઘણા સમય બાદ પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઝોન ગોલાઇ પાસેથી આધાર પુરાવા વગરનો શંકાસ્પદ 180 ટન કોલસાનો જથ્થો ભરીને જતી 5 ટ્રક ડિટેઇન કરી છે. કંડલા અને ગાંધીધામ સંકુલમાં કોલસાની આયાત અને નિકાસ મોટા પ્રમાણમાં ધમધમે છે તો અમુક ગેંગ આયોજનબધ્ધ રીતે કોલસાની ચોરી કરે છે તે વાત ભૂતકાળમાં પણ પોલીસે કરેલા પર્દાફાશથી બહાર આવી ચુકી છે.
ત્યારે ઘણા લાંબા સમય બાદ પુર્વ કચ્છ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન ગાંધીધામ ની ઝોન ગોલાઇ પાસેથી અંદાજિત 180 ટન કોલસો ભરેલી 5 ટ્રોકોને રોકી આધાર પુરાવા માગતાં તેમની પાસે ન હોવાને કારણે તમામ ટ્રક જપ્ત કરતાં આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જો ખરેખર તવાઇ બોલાવવામાં આવે તો મોટા પ્રમાણમાં કોલસાનો કાળો કારોબાર બહાર આવે તેમ છે. કોલસા ચોરી કરતી ગેંગ વર્ષોથી સક્રિય રહી છે તેમ છતાં કોઇ કડક કાર્યવાહી થતી ન હોવાને કારણે બેફામ ચોરી થઇ રહી હોવાનું પણ આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.
ચોરી અને ભેળસેળ કરતી બે ગેંગ સક્રિય
કંડલા ગાંધીધામ સંકુલમાં કોલસાનો જે કારોબાર કરે છે તે ધંધાર્થીઓ અને ટ્રાન્સપોર્ટરો બે ગેંગથી ત્રાહીમામ પોકારી ગઇ છે જેમાં એક ગેંગ તો સીધી કોલસાની ચોરી કરે છે અને બીજી અહીંથી નિકળતી કોલસા ભરેલી ટ્રકમાંથી સારી ક્વોલિટીનો કોલસો કાઢી તેમાં નબળી ગુણવત્તાનો માલ ભેળસેળ કરી ચોરીને અંજામ આપે છે. અગાઉ આ ગેંગ સામે કડક પગલાં લેવા તત્કાલિન એસપીને ટ્રાન્સપોર્ટરોએ રૂબરૂ તેમજ લેખિત રજુઆત પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.