ગાંધીધામના જુની સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં બુટલેગર પ્રકાશ ઉર્ફે "પકાડો’ ના કબજાની ઓરડીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ ઉત્તરાયણના આગલા દિવસે જ દરોડો પાડી રૂ.22 હજારના દારૂ સાથે એકને પકડી લીધો હતો જ્યારે મુખ્ય આરોપી પોતાના સાગરિત સાથે ભાગી ગયો હતો. પોલીસે બાઇક, મોબાઇલ અને રોકડ સહિત 58 હજારનો મુદ્દામાલ કબજે કરી એ-ડિવિઝન પોલીસને તપાસ સોંપી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પૂર્વ કચ્છ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એસએમસીના નાયબ પોલીસ અધિક્ષકને બાતમી મળી હતી કે, ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તારમાં શંકર મહાદેવ મંદિર પાછળ ધોબીઘાટ વિસ્તારમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઇ માતંગ તથા સમીર નરેશભાઇ સથવારા બન્ને મળી પ્રકાશ ના કબજાની ઓરડીઓમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેંચાણ કરે છે. આ બાતમીના આધારે પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાએ ટીમ સાથે પકાડાની ઓરડીઓ પર દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પકાડો તેના સાગરિત મિલન પાતાળીયા સાથે એક્ટિવા પર નાસી ગયો હતો. એસએમસીની ટીમે રૂ.22,700 ની કિંમતના દારૂના જથ્થા સાથે ગુલફામ હાતિમ શેખને પકડી લઇ મોબાઇલ, રોકડ, બાઇક સહિત કુલ રૂ.58,160 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રકાશ ઉર્ફે પકાડો, સમીર નરેશભાઇ સથવારા, મિલન પાતાળીયા અને ગુલફામ એમ ચાર વિરુધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.