લાપરવાહી:કંડલા થી ખારીરોહર પાઇપલાઇન મુદ્દે પોલીસ અને પોર્ટ પ્રશાસન એલર્ટ થયા પણ કંપનીઓ હજી બેજવાબદાર

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો તેલ કંપનીઓ ગંભીરતા નહીં દેખાડે તો દેશની પેટ્રોલિયમ સંપતિને નુકસાન સહેલાઇથી થતું રહેશે
  • આઇઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ કંપનીઓ પોલીસની રજુઆત પણ ઠેલી રહ્યું હોય તેવી સ્થિતિ

કંડલા થી ખારીરોહર સુધી પેટ્રોલિયમ પેદાશના વહન માટે પથરાયેલી 11 કિલોમીટર પાઇપલાઇનમાં દિવ્યભાસ્કરની ટીમે પ્રથમ જાતે ફરીને ત્યારબાદ કંડલા મરિન પોલીસ સાથે મળી ઇન્વેસ્ટિગેશન રીપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં 11 કીલોમીટર પાઇપલાઇનમાં પેટ્રોલ અને ડિઝલની ચોરી કરતી ગેંગ દ્વારા 1000 થી વધુ છેદ કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી સચ્ચાઇ બહાર આવી હતી. અનેક વખત આ છેદ ખુલી જતાં હજારો લીટર ડિઝલ વેડફાઇ ગયું હોવાની ઘટનાઓ બની છે.

દેશની વિપુલ પ્રમાણમાં પેટ્રોલિયમ સંપતિ વેડફાવાની સાથે જો એક તણખલું જો લીકેજ પર પડે તો કલ્પના ન કરી શકાય તેવી ખુવારી સર્જે તેવી દૂર્ઘટના ઘટે જેમાં કંડલા, ગાંધીધામ અને અંજાર સુધી મોટી જાનહાની પણ થઇ શકે તેવું જાણકારોનું માનવું છે.

પરંતુ દુ:ખ એ વાતનું છે કે જેની જવાબદારી વધુ છે તે આઇઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ કંપનીઓના જવાબદારોને જાણે કંઇ પડી ન હોય તેમ પોલીસ કદાચ પેટ્રોલ-ડિઝલ ચોરી પકડીને જે-તે કંપનીને જાણ કરે તો આ કંપનીઓ ફરિયાદ નોંધાવવા પણ તૈયાર હોતી નથી. કંપનીના જવાબદારોને આ બાબતે ફોન કરવામાં આવે તો અમે કંઇ ન કહી શકીએ દિલ્હી સ્થિત અમારા ઉપરી અધિકારીઓને પુછો, હવે આ વિપુલ પ્રમાણમાં પેટ્રોલિયમ સંપતિનો વેડફાટ અને સાથે મોટી દૂર્ઘટનાનો ભય માટે જવાબદારી કોની ?

મરિન પોલીસ સાથે મળી 24 કલાક પેટ્રોલિંગ ચાલુ કરાવ્યું : એસપી
આ બાબતે પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસે આ બાબતે કંપનીઓના જવાબદાર અધીકારીઓ તેમજ પોર્ટ પ્રશાસન સાથે ચર્ચા કરી છે. હાલ આ પાઇપલાઇનમાંથી ચોરી અટકે તે માટે સીસી ટીવી કેમેરા, સર્ચ લાઇટ અને સર્ચ ટાવર ઉભા કરવાની જરૂર છે, ઉપરાંત પાઇપલાઇન ફરતે વધી ગયેલી ઝાડીઓ પણ દૂર કરાય તો સરળતા રહે , એ જ્યારે થાય હાલ મરિન પોલીસ સાથે મળી બાઇક તેમજ મોબાઇલ વેન સાથે 24 કલાક પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...