પારદર્શિતા:વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોએ રડતી આંખે વ્યથા ઠાલવી

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છ પોલીસ દ્વારા એક જ દિવસમાં લોક સંવાદ અને લોક દરબાર બે કાર્યક્રમ યોજાયા

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બપોરે વ્યાજખોરી ડામવા લોક સંવાદ અને સાંજે શિણાય ખાતે લોકદરબારનુ઼ આયોજન કરાયું હતું બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયાની અધ્યક્ષતામાં તમામ પોલીસ મથકના પીઆઇ કક્ષાના અધીકારીઓની હાજરીમાં યોજાયેલા આ લોક સંવાદમાં વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા લોકોએ રડતી આંખે પોતાની વ્યથા રજુ કરી હતી. આદિપુરના અમરભાઇ વીરાણીએ રજુઆત કરતાં જણાવ્યું હતું કે તેમને જરૂરત હતી તે સમયે રૂ.1 લાખ વ્યાજે લીધા બાદ તેની સામે 6 અલગ અલગ ચેક આપ્યા બાદ હવે વ્યાજખોર તેમને સતત પઠાણી ઉઘરાણી કરી ચેક બાઉન્સના કેસ કરી પરેશાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

આઇજીપી મોથાલિયા અને પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાએ રજુઆત કરનારને જે પોલીસ મથક લાગતું હોય તે મથકના પીઆઇ અને પીએસઆઇને તેમની સામે જ અરજી સ્વીકારી લેવાનું કહી ત્રણ દિવસમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તો સાંજે શિણાય ખાતે યોજાયેલા લોક દરબારમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરીકોએ ક્યાંક પોલીસની કામગીરી સામે અંગુલી નિર્દેશ કર્યા હતા. અને ફરીયાદોનો ઢગલો મહા નીરીક્ષક અને પોલીસ વડા સમક્ષ રજૂ કર્યો હતો.

ફરિયાદ લેવામાં ઠાગાઠૈયા વગેરે મુદ્દે વિપક્ષી નેતાએ ઉઠાવ્યા સવાલ
ગાંધીધામ પાલિકાના વિરોધ પક્ષના નેતા સમિપ જોશીએ શિણાયના પોલીસ લોકદરબારમાં વિવિધ મુદાઓ રજુ કર્યા હતા. જેમાં લોકોની ફરિયાદો લેવામાં ઠાગાઠૈયા થતી હોવાની રાવ, ક્રિકેટના ઓનલાઈન સટ્ટાની વધતી જતી બદી, વ્યાજખોરી, ભારતનગરમાં પોલીસ ચોકી નિર્માણમાં થતું મોડુ, ઓસ્લોના બાલવાટીકા સર્કલ અને શનીમાર્કેટ વિસ્તારમાં રાત્રીના સ્ત્રીઓની સુરક્ષા માટે પોલીસ પહેરો વધારવા જેવા મુદાઓ રખાયા હતા. આઈજી અને એસપીએ આ પ્રશ્નો પર કાર્ય કરવા પોલીસ કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

IGએ ગળપાદર જેલ, બંદિવાનોની મુલાકાત લીધી
આઈજી જે.આર. મોથાલીયાએ ગળપાદર જિલ્લા જેલની મુલાકાત લઈ સ્ત્રી યાર્દ, સર્કલ યાર્ડના બંદિવાનો સાથે વાતચીત કરી રજુઆતો સાંભળી હતી. બંદિવાનોના માનસ પરિવર્તન, સકારાત્મક વાતાવરણ અને સ્વચ્છતાની નોંધ પણ લીધી હતી. જેલ અધિક્ષક એલ.વી. પરમારે તેમનું સ્વાગત કર્યું હતું, આ ક્ષણે એસપી મહેંદ્ર બગડીયા, ડીવાયએસપી મુકેશ ચૌધરી સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...