સમસ્યા:રાજવી પુલિયા નીચે ભારે વાહનોને કારણે લોકો રોજ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલ આસપાસ હવે આડેધડ વાહન વ્યવહારથી ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે
  • ભચાઉ જતા હાઇવે પર ટ્રાફિકમાં અટવાતા લોકો રોજ સમય સાથે ઇંધણ પણ વેડફે છે

ગાંધીધામ સંકુલ આસપાસ રાજવી પુલિયો હોય કે એ.વી.જોષી ઓવરબ્રીજ ભચાઉ જતો હાઇવે હોય આડેધડ વાહન વ્યવહાર તેમજ પાર્કિંગને કારણે હવે રોજિંદી બની ગયેલી ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે. લોકો સમય સાથે ઇંધણ પણ વેડફી રહ્યા હોવાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.

ગળપાદર હાઇવે ઉપરથી ગાંધીધામ તરફ જવું હોય તો રાજવી પુલિયા નીચેથી વાહન વ્યવહાર કરાય છે, પણ જો આ પુલ નીચે બે ભારે વાહનો સામસામે આવી જાય તો સર્જાય છે ટ્રાફિકજામ, આ સમસ્યા રોજિંદી બની હોવાને કારણે રોજ અવર જવર કરતા લોકો માટે માથાનો દુ:ખાવો બની છે.

કારણ કે આ પુલ નીચેથી ભારે વાહનોની અવર જવર ઘણી રહે છે પણ વાહનો મોટા થયા અને આ પુલ નીચે જગ્યા સાંકડી હોવાને કારણે વળવામાં જ સમય લાગી જાય છે અને જો બે વાહન સામ સામે આવી ગયા તો બસ કલાકો સુધી ટ્રાફિક ખોરવાય છે જેમાં વરસામેડી, મેઘપર બોરીચી, ગળપાદર તેમજ અંજાર તરફથી આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ અનેક વખત આ પુલિયા પાસે ટ્રાફિક નિયમન માટે રજુઆતો કરાઇ ચૂકી છે પણ સવાર સાં જ બે કલાક માત્ર પોલીસ કર્મીઓ નિયમન કરતા નજરે પડે છે.

રાજવી પુલિયા પાસે કાયમી પોલીસ ચોકી જરૂરી
રાજવી પુલિયા પાસે વાહન વ્યવહાર 24 કલાક રહેતો હોઇ આ જગ્યાએ આડેધડ પાર્કિંગ તેમજ બેદરકારી પૂર્વકનો વાહન વ્યવહાર થતો હોવાને કારણે અકસ્માત ઝોન તો છે પણ ટ્રાફિકજામ થવાની સમસ્યા રોજિંદી બની છે ત્યારે આ જગ્યાએ કાયમી પોલીસ ચોકી બને અને ટ્રાફિક નિયમન કડક રીતે કરાય તો આ સમસ્યાથી છૂટકારો મળે તેમ છે તેવું રોજ અવર જવર કરતા વાહન ચાલકોએ જણાવ્યું હતું.

એ.વી.જોષી ઓવરબ્રીજથી ગાંધીધામ વચ્ચે વાહનોની કતાર રોજિંદી
ભચાઉ થી ગાંધીધામ તરફ આવતા નેશનલ હાઈવે પર આજે એ.વી.જોશી ઓવરબ્રીજ થી ગાંધીધામ સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી,જો કે આ સમસ્યા રોજીંદી છે, નાનો મોટો અકસ્માત હોય કે કોઇ વાહન વચ્ચે ખોટપાય તોદ આવી જ કતાર લાગી જતી હોય છે, આ રોડ પર અવર જવર કરતા એક વાહન ચાલકે જણાવ્યું હતું કે 3 કિલોમીટરનો માર્ગ કાપતાં ક્યારેક અડધો કલાક નીકળી જતો હોય છે જેને કારણે લોકોના સમય સાથે ઇંધણનો પણ વેડફાટ થઇ રહ્યો છે. ત્રણ કિલોમીટર નો માર્ગ કાપતા 20 થી 25 મીનીટ નો સમય બગડે છે.

મુન્દ્રા અને કંડલા બાયપાસ નો કટ ખુબ નાનો છે અને સર્વીસ રોડ પણ યોગ્ય પહોડો નથી જેથી અહી થઈ જામ થાય તે છેક મીઠીરોહર સુધી લાઈનો લાગે છે. જેના પરીણામે અનેક વાહનો રોંગ સાઈડ મા આવે છે જેમા એસ.ટી બસો પણ હોય છે તો આ સ્થિતિ મા અકસ્માત થાય તો કોણ જવાબદાર? તંત્ર એ હાઈવે ઓથોરીટી સાથે મળી ને આ કાયમી સમસ્યા નુ નિરાકરણ કરવુ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...