ગાંધીધામથી કંડલા તરફ જતા રોડ પર રસ્તો ઓળંગી રહેલા રાહદારીને ડમ્પર ચાલકે અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ જામનગરના હાલે ચાવલા ચોક રહેતા અને ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર એસીસીએમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ ચંદુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની સાથે છેલ્લા આઠ વર્ષથી રહેતા અને કામ કરતા મુળ રાજસ્થાનના કમલસિંગ રામકિશન ગુર્જર તા.31 ડિસેમ્બરની સાંજે કાર્ગો મારૂતિ સુઝુકીના શોરૂમ સામે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુર પાટ જઇ રહેલા ડમ્પર ચાલકે તેમને અડફેટે લેતાં માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં 108 મારફત હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયા હતા પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે અકસ્માત કરનાર ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. અહીં નોંધવું રહ્યું કે ગાંધીધામથી કંડલા જતા માર્ગ પર આડેધડ પાર્ક કરાતા મોટા વાહનો તેમજ આ વાહનની બેફામ ગતીને કારણે અવાર નવાર આ માર્ગ પર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. નોંધવું રહ્યું કે, આજ રોડ ઉપર ગત સપ્તાહમાં જ બેથી વધુ રાહદારીઓ મોત પામ્યા હતા. અહીં સ્ટ્રીટલાઇટ લગાવાય તે આવશ્યક બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.