વિજળી વેરણ બની:વિજતંત્રની કચેરી પરજ આકાશી વિજળી પડી, બે દિવસમાં 5 જગ્યાએ વીજ પ્રપાત

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં સતત બીજા દિવસે આખી રાત લાઈટ ગુલ રહેતા લોકોની ઉંઘ હરામ થઈ
  • ગાંધીધામમાં વરસાદ અને પવને વિજ વ્યવસ્થા પર સર્જી તારાજી
  • રોટરી સર્કલના મોલ પાસે, રમત ગમત સંકુલ અને વીજ કચેરીમાં કર્યુ નુકસાન

ગાંધીધામ આદિપુરમાં છેલ્લા બે દિવસમાં માત્ર અડધો કે એકાદ કલાક સર્જાતા વરસાદી માહોલથી આખી વ્યવસ્થા જાણે હચમચી જતી હોય તેવો તાલ ઉભો થઈ રહ્યો છે. વિજતંત્રની કચેરી સહિત શહેરમાં પાંચેક સ્થળોએ આકાશી વિજળી પડ્યાનું સામે આવ્યું હતું. શનિવાર બાદ રવિવારના પણ ભારે પવન સાથે આવેલા વરસાદી ઝાપટાથી આખા શહેરમાં વિજળી ગુલ, માર્ગો પર પાણી અને ખાડાઓની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. જનતા કોલોની, ભારતનગર સહિતના ઘણા વિસ્તારોમાં તો આખી રાત વિજળી ડુલ રહેતા લોકોની ઉંઘ હરામ થઈ ગઈ હતી.

ગાંધીધામના ગાયત્રી મંદિર પાસે આવેલી પીજીવીસીએલની કચેરીના ટાવર પર વિજળીનો જોરદાર કડાકો થયાનું સ્થાનિકોએ અનુભવ્યું હતું. તો આવીજ રીતે રમત ગમત સંકુલ, રોટરી સર્કલ પાસે આવેલા ખાનગી મોલ નજીક પણ આકાશી વિજળી પડ્યાનો અહેસાસ થવા પામ્યો હતો. પરિણામ સ્વરુપ વિજતંત્રનું ઉપલબ્ધ માળખુ પડી ભાંગ્યુ હતું અને બે દિવસમાંજ આખા શહેર માટે વિજળી જાણે વેરણ બની ગઈ હતી.

શનિવારના વિજકાપનો સામનો કર્યા બાદ સતત બિજા દિવસે રવિવારે પણ શહેરના ઘણાખરા વિસ્તારોમાં વિજળી આખે આખી રાત ડુલ રહી હતી. જનતાકોલોનીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ખુબ સામાન્ય અને મીનીટોમાં નિપટાવી શકાતા કામ માટે તેમને 9 કલાક સુધી અંધારા અને ગરમીમાં રહેવા મજબુર કરાયા હતા.

ત્રણ સબ સ્ટેશન ઠપ્પ થતા 25થી વધુ ફીડર, 1200 જેટલા ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા
પીજીવીસીએલના સતાવાર સુત્રોએ જણાવ્યું કે વિજળી પડવા, વરસાદના પ્રભાવના કારણે ગાંધીધામના કાસેઝ, કિડાણા અને શર્મા રેસોર્ટ તરફ આવેલા સબ સ્ટૅશન ઠપ્પ થઈ ગયા હતા. પરિણામ સ્વરુપ તેનાથી વિજળીની આપુર્તી પ્રાપ્ત કરતા 25થી વધુ ફીડર અને 1200થી વધુ ટ્રાન્સફોર્મર બંધ થઈ જતા હજારો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

4 ટીસીમાં આગ લાગી, 27 વૃક્ષ વિજતાર પર પડ્યા, 10 વિજપોલ ધરાશાઇ
​​​​​​​પવન સાથે આવેલા વરસાદે ટુંકા ગાળામાંજ કેવી તારાજી સર્જી હતી તેનો અંદાજો તે પરથી આવી શકે કે સુભાષનગર, સુંદરપુરી, ડીસી2માં બે સહિત કુલ 4 સ્થળોએ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ગઈ હતી. ગાંધીધામ નગરપાલિકાની ફાયરબ્રીગેડએ મોડી રાતે દોડી જઈને સ્થિતિને કાબુમાં લાવી હતી. તો અલગ અલગ સ્થળોએ 27 જેટલા વૃક્ષ ધરાશાહી થઈને વિજતારને ક્ષતી પહોચાડતા સપ્લાય બાધીત થયો હતો. આવીજ રીટે 10 તો વીજપોલજ પડી ગયા હોવાનો એકરાર ખુબ વિજતંત્ર કરી રહ્યું છે.

આખી રાત સ્ટાફ દોડતો રહ્યો, અમે જેટલુ જલદી થઈ શકે કામ કર્યુઃ એન્જિનીયર, PGVCL
ગાંધીધામની પીજીવીસીએલ કચેરીના એન્જિનીયર એમ.જે. પટેલએ જણાવ્યું કે બહોળા ગ્રાહક વર્ગ વચ્ચે એક સાથે આવી પડેલી ઘણી બધી સમસ્યાઓને ઓછા સ્ટાફ સાથે લડવા માટે મોડી રાત સુધી સ્ટાફ પોતાની ફરજના કલાકો પત્યા બાદ પણ દોડતો રહ્યો હતો. અમે સતત એવા પ્રયાસ કર્યા કે બધા સ્થળોએ વિજપુરવઠો ફરી તુરંત શરૂ કરી શકાય, જેમાં અમને મહતમ સફળતા પણ મળી હતી.

વિજતંત્રની કચેરી પર વિજળી પડ્યાથી મોડમ કામ કરતા બંધ થયા, ઈન્ટરનેટ બંધ થતા ફરી ચોપડા કઢાયા !
ગાંધીધામના ગાયત્રી મંદિર પાસે આવેલી વિજતંત્રની કચેરીમાં આવેલા ટાવર પર શનિવારના આવેલા ગાજવીજ સાથેના વરસાદ દરમ્યાન જોરદાર અવાજ સાથે વિજળી ત્રાટકી હોવાનું સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા છે. ત્યારબાદ રવિવારે રજા બાદ સોમવારે કચેરીમાં તપાસ કરાતા ઓનલાઈન મોડમ કામ કરતા બંધ થઈ ગયાનું સામે આવ્યું હતુ. જેથી ઈન્ટરનેટ સર્વિસ સંપુર્ણ રીતે બંધ થઈ જતા બીલ ભરવા આવતા લોકોના બીલ મેન્યુઅલી ફરી ચોપડાના લેખીત નોંધ સાથે સ્વિકારવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...