ટ્રેનમાં સુરક્ષાકર્મીઓની હાજરી વચ્ચે પર્સ તેમજ સામાનની ચોરીના બનાવ સ્લીપર કલાસમાં સમયાંતરે બનતા આવી રહ્યાં છે. તેની વચ્ચે સુરક્ષિત મનાતા એસી કોચમાંથી પણ મહિલા પ્રવાસીઓની લાખોની માલમત્તાની ચોરી થતા અન્ય પ્રવાસીઓની તેમજ તેમનાં સામાનની સુરક્ષાનો મુદ્દો પુનઃ સપાટી ઉપર આવ્યો છે.
આ અંગે ગાંધીધામ રેલવે પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, મૂળ ગાઝીયાબાદના 55 વર્ષીય નિતિ સિન્હા મુકેશ મોહનસિંગ સિંગ અને તેની બે મિત્ર નિતા કેજરીવાલ અને નિશા સિન્હા અમદાવાદથી સયાજીનગરી ટ્રેનમાં ગત રાત્રે 12.25 વાગ્યે નિકળ્યા હતા. તેમનું બુકિંગ એસી કોચ એ 1માં 19,20,21માં હતુ. તેઓ બે મોબાઇલ ચાર્જમાં રાખી પર્સ બાજુમાં રાખી સૂઇ ગયા હતા. પરોઢે સાડા પાંચ વાગ્યે જ્યારે તેઓ જાગ્યા ત્યારે બે મોબાઇલ અને લેડિઝ બેગ જોવા મળ્યું ન હતું. ટ્રેન ગાંધીધામ સ્ટેશનેથી ઉપડી રહી હતી.
તેમણે ગાંધીધામ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદથી ગાંધીધામ સુધીમાં સયાજીનગરીના એસી કોચમાંથી કોઇ અજાણ્યો ઇસમ 99 હજાર 900ની કિંમતનો આઇફોન, જેના કવરમાં આઇસીઆઇસીઆઇનું ડેબિટ કાર્ડ પણ હતું, બીજો 10 હજાર રૂપિયાનો મોબાઇલ, 15 હજાર રોકડા, લેડિઝ બેગમાં ચેકબુક, ક્રેડિટ કાર્ડ, મેકઅપ કિટ સહિત કુલ 1 લાખ 24 હજાર 900 રૂપિયાની મત્તા ચોરી ગયો છે. કચ્છ આવતી ટ્રેનોના સ્લીપર અને ચાલુ ડબામાં ચોરીઓની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે પણ તસ્કરોના ત્રાસથી હવે એસી કોચ પણ સલામત રહ્યાં નથી, શું રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેનના મુસાફરો માટે સુરક્ષા વ્યવસ્થા નથી કરાતી તેવા સવાલો ઉભી કરે છે. આવી ઘટનાઓ અને જો ટ્રેનમાં સુરક્ષા કર્મીઓ રખાય છે તો કરે છે શું? તે પણ સવાલ ઉઠી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.