ગાંધીધામના જમીન કૌભાંડ તેમજ ખોટા દસ્તાવેજો બનાવવા જેવા વિવિધ વીવાદોને કારણે કૂખ્યાત બનેલા બાગેશ્રી ઇન્ફ્રાટેકના બીજલ મહેતાએ ફ્લાઇટ અને હોટલ બુંકીગ ઉધાર કરાવી તે નાણા ચૂકવવા માટે આપેલા ચેક બાઉન્સ થતાં ફરિયાદીની ફરિયાદના આધારે અંજારના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બિજલ મહેતાને 1 વર્ષની સાદી કેદ તથા 60 દિવસમાં રૂ.20 લાખ રૂપિયા દંડ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસની વિગતો એવી છે કે ગાંધીધામ ખાતે આવેલી એચ.એમ.મેમણ એન્ડ સન્સના સંચાલક મેમણ મોહમ્મદરફિક હાસમ મેમણ પાસે બાગેશ્રી ઇન્ફ્રાટેકના માલિક બીજલ જયેશ મહેતાએ ફ્લાઇટ અને હોટલોની બુકિંગ ઉધારમાં કરાવી હતી.
ફરિયાદીને આરોપી પાસેથી રૂ.53,58,509 રકમ લેવાની નિકળતી હતી. આ રકમ ચૂકવવા બીજલ મહેતાએ ગા઼ધીધામની મહેસાણા અર્બન કો!ઓપ. બેંકના ચેક આપ્યા હતા. પરંતુ આ તમામ ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરતાં ફરિયાદીએ બે અલગ અલગ નોટીસો પણ મોકલી હતી. તેમ છતાં આરોપીએ આ રકમ પરત ન કરતાં ફરિયાદીએ તેના વિરૂધ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કેસ દાખલ કર્યો હતો.
આ કેસ અંજારના અધિક ચિફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતાં બન્ને પક્ષની રજુઆતો સાંભળ્યા બાદ અધિક ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ જે.એસ.પરમારે બીજલ કહેતાને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી રૂ.20,00,000 દંડ 60 દિવસમાં ભરવાનો આદેશ કર્યો હતો અને જો આરોપી આ દંડ 60 દિવસમાં ન ભરે તો 30 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદ પક્ષે એડવોકેટ એચ.એન.ડુંગરાણીએ હાજર રહી દલીલો કરી હતી. બાગેશ્રી ઇન્ફ્રાટેકના બીજલ મહેતા સામે બહુચર્ચિત પડાણાની કિંમતી જમીન પચાવી પાડી હોવાનો લેન્ડ ગ્રેબીંગ તળે કેસ નોંધાયો છે, તો જીડીએના સિક્કા અને સહિ કરી બોગસ દસ્તાવેજના પણ કેસ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.