હત્યા:જવાહરનગરમાં ભાડૂઆતની બોથડ પદાર્થ મારી હત્યા, પત્ની શંકાના દાયરામાં

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પૂર્વ કચ્છમાં અઠવાડિયામાં ગાંધીધામમાં બે સહિત ત્રણ હત્યાના બનાવથી પોલીસ તંત્ર દોડતું રહ્યું
  • મકાન માલિકે કહ્યું તા.6/7 ના પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની બે દિવસથી ગૂમ

ગાંધીધામના મહેશ્વરીનગરમાં યુવાનની હત્યા , ત્યારબાદ અંજારના સતાપરમાં મહિલાની હત્યા અને ત્યારબાદ હવે ગાંધીધામના જવાહરનગરમાં રહેતા ભાડુઆતની હત્યા મળી પૂર્વ કચ્છમાં ગાંધીધામમાં બે સહિત આઠ દિવસમાં ત્રણ હત્યાના બનાવો નોંધાયા છે. ગાંધીધામના જવાહરનગરમાં ભાડાની ઓરડીમાં રહેતાં મૂળ ઓડિશાના વતની એવા 32વર્ષિય યુવાન ઠેકેદારનો કરેલો મૃતદેહ મળી આવતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. મરનાર યુવકની હત્યા તેની પત્નીએ જ કરી હોવાની શંકા છે, તેની પત્ની ભેદી રીતે બે દિવસથી લાપત્તા થઇ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ઼ હતું.

આ ઘટનામાં મૃતકના 56 વર્ષીય મકાન માલિક વીરજીભાઇ મોમાયાભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક સૂર્યકાન્ત સ્વેઈન ઊર્ફે બાપી જવાહરનગરમાં તેમના મકાન ઉપર બનેલી સિમેન્ટના પતરાંવાળી ઓરડીમાં છેલ્લા સાત-આઠ માસથી ભાડે પત્ની મંજુ અને એક દીકરી સાથે રહેતો હતો. તે વિવિધ કંપનીઓમાં ઠેકેદારીનું કામ કરતો હતો. હત્યા અંગે ફરિયાદ નોંધાવનાર વીરજીભાઈએ પોલીસને જણાવ્યું કે બુધવારે રાત્રે સાડા આઠના અરસામાં સૂર્યકાન્ત અને તેની પત્ની મંજુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરિયાદીએ પોતે ઉપર જઈને યુગલની સમજાવટ કરી શાંત પાડ્યાં હતા.

બીજા દિવસે ગુરૂવારે સવારે સાડા સાતના અરસામાં સૂર્યકાન્તની પત્ની મંજુ ઓરડીને બહારથી તાળું મારી તેની દીકરીને સ્કુટી પર બેસાડી ક્યાંક નીકળી ગઈ હતી. ત્યારબાદ મંજુ પરત ફરી ન હતી. દરમિયાન, શુક્રવારે સાંજે નજીકની ઓરડીમાં રહેતાં ભાડૂઆત અરુણ રોયે વીરજીભાઈનું ધ્યાન દોર્યું હતું કે સૂર્યકાન્તની ઓરડીમાંથી ખરાબ વાસ આવે છે. સૂર્યકાન્તે ઘરમાં સસલું પાળેલું અને સંભવતઃ આ સસલું બંધ ઓરડીમાં મરી ગયું હશે તેમ માની સૂર્યકાન્તે તાળું તોડી ઓરડી ખોલી હતી.

ઓરડીમાં રહેલું સસલું જીવતું હતું અને કૂદકો મારીને બહાર નાસી ગયું હતું પરંતુ અંદર ઓરડીની ફર્શ પર સૂર્યકાન્તની બર્મુડા અને ટી શર્ટ પહેરેલી હાલતમાં કોહવાયેલી લાશ પડી હતી અને ફર્શ પર લોહી જામેલું હતું. વીરજીભાઈએ ઘટના અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે પહોંતી મૃતદેહ રામબાગ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખસેડ્યો હતો. . સૂર્યકાન્તના માથામાં બોથડ પદાર્થ વડે પ્રહાર કરાઈ હત્યા કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. પીઆઇ એ.બી.પટેલને પુછતાં તેમણે તેની ફરાર પત્ની મંજુ શંકાના દાયરામાં છે તેમ જણાવ્યું હતું.

ત્રણ દિવસ મૃતદેહ ઘરમાં બંધ પડ્યો રહ્યો
મકાન માલીકે નોંધાવેલી ફરીયાદ મુજબ તા.6/7 ના રાત્રે મૃતક અને તેની પત્ની મંજુ વચ્ચે ઝઘડો થયો હતો અને તા.7/6 ના તેની પત્ની મંજુ ઘરને તાળું મારી ચાલી ગયા બાદ પરત આવી ન હતી. પડોશી ભાડુઆતે વાસ આવવાની જાણ કરાયા બાદ તા.8/6 ના રોજ કોહવાયેલી હાલતમાં હત્યા કરેલો મૃતદેહ મળ્યો હતો. એટલે ત્રણ દિવસ મૃતદેહ ઘરમાં રહ્યો હતો.

હાલ ઘટનાનો તાગ મેળવવાની પ્રક્રીયા જારી : PI
ઘટનાની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમમા઼ લઇ જવાયો હતો. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતકની પત્ની સાથે ઝઘડો થયા બાદ તે ઘર બંધ કરીને જતી રહ્યા બાદ પરત આવી નથી તે મુજબ મસતકની પત્ની જ શંકાના દાયરામાં હોવાનું જણાવી પીઆઇ એ.બી. પટેલે હાલ પોલીસ આરોપીને પકડી અને હત્યાનો તાગ મેળવવાના પ્રક્રિયામાં હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...