ગાંધીધામના આદિપુરમાં વોર્ડ 1 વિસ્તારમાં શુક્રવારે દબાણ હટાવ કામગીરી હાથ ધરાયા અને કેટલાક દબાણ હટાવ્યા બાદ અચાનક જેસીબી ખોટકાઈ ગયું હતું. બાકી બચેલા દબાણ ધારકો અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી અને વિખવાદ જેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ હતી.
આદિપુરના વોર્ડ 1 માં કેસર નગર, મણીનગર પાસેના વિસ્તારમાં રોડને મોટા કરવા, પાણી અને ડ્રેનેજની લાઈનો નાખવા માટે આડા આવતા દબાણો તેમજ જુના જર્જરીત થઈ ગયેલા અને સ્થાનીકો માટે જોખમી બની શકે તેવા વર્ષો જુની પોલીસની ઘોડાચોકી જેવા માળખાને તોડી પાડવા ગાંધીધામ નગરપાલિકાએ શુક્રવારના કવાયત હાથ ધરી હતી.
પાલિકાની દબાણ શાખાના કર્મચારીઓ પોલીસ સુરક્ષા અને જેસીબી સાથે સ્થળ પર પહોંચીને દબાણ તોડવાની શરૂ કરી હતી. પાલિકાના સુત્રોએ જણાવ્યું કે અગાઉ પણ દબાણ હટાવી લેવા નોટિસો અપાઈ હતી, જે ન હટાવાતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
કાચા પાકા કુલ 15 જેટલા દબાણ હટાવવાનું પ્લાનમાં હતું, પોલીસની જૂની ઘોડા ચોકી ને દૂર કરતા પહેલા તેમાં રહેલા 35 વર્ષ જૂના દસ્તાવેજો અને સામગ્રીને લઇને પોલીસ મથકે પહોંચાડાયા હતા. પરંતુ 7 જેટલા દબાણ હટ્યા અને પાલિકાનું જેસીબી જવાબ દઈ ગયું હતું.
ચાલુ કામેજ જેસીબી ખોટકાઈ જતા જેમના દબાણ હટાવવાના બાકી હતા અને જેમના હત્યા તે બન્ને દ્વારા વિરોધના સુર ઉઠવા લાગ્યા હતા, તો પાલિકાના અને પોલીસના કર્મચારીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. બગડેલા જેસીબીને ટ્રેઈક્ટરની મદદથી લઈ જવાયું હતું, તો બાકી રહેલા દબાણોને આગામી સપ્તાહના હટાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
દેરી હટાવવા મુદે બોલાચાલીથી સ્થિતિ વણસતાં પોલીસની મદદ લેવી પડી
સ્થાનિકે નિર્મિત દેરીને દુર કરવા તજવીજ હાથ ધરાતા બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું, વિરોધના ઉઠતા સુરથી પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે મોર્ચો સંભાળી લીધો હતો.
કેસરનગર મેઘપર (કુ.) માં કે પાલિકાની હદમાં?, સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ
કેસરનગર તરફના સ્થાનીકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પાલિકા દ્વારા જે નોટિસો પાઠવાઈ છે તે અનધિકૃત છે કેમ કે અહીના મહતમ 75% જેટલા લોકો ગ્રામ પંચાયતમાં વેરો ભરે છે, નહિ કે પાલિકામા. જીડીએ અને પાલિકાની હદના નકશાઓને પણ રીફર કરવા સ્થાનીકોએ જણાવ્યું હતું. નીતિ વિષયક પ્રશ્ન ઉપસ્થિત થતા સીઓ દ્વારા અંજાર મામલતદારને સાથે રાખીને આ અંગે આગળ વધવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.