સોપારીની દાણચોરી હવે કંડલા સેઝ કે મુંદ્રા સેઝ માટે નવી વાત નહી રહી, તાજેતરમાં પોલીસે મુંદ્રા અને સામખીયાળી પાસે પણ અનધિકૃત સોપારીનો જથ્થો પકડી પાડ્યા બાદ તેના મુળીયા સુધીની તપાસ આદરી છે. તેમા કસ્ટમની ભુમીકા પર પણ સવાલ ઉઠતા મુંદ્રા સેઝના ડે. કમિશનરની બદલી કરી દેવામાં આવી છે. સુત્રોના કહ્યા અનુસાર 500 કરોડની વધુની સોપારી તો ઘુસી હોવાની શક્યતા છેજ, પરંતુ તે સાથે શું નહિ ઘુસ્યુ હોય તેની સંભાવના અને મળતા પુરાવાઓના આધારે જો સરકારી આખી વ્યવસ્થાની નાક નીચેથી કોઇ પણ વસ્તુઓ નિકળી શક્તી હોય, તો સોપારી તો શું, અનેક વસ્તુઓ નિકળી ચુકી હોવાની શક્યતા રહે છે. જે રાષ્ટ્રીય સુરક્ષાને પણ તાક પર રાખતા હોવાથી તે દિશામાં કાર્યવાહીનો દોર આગળ વધી રહ્યો છે.
અનધિકૃત સોપારીનો જથ્થો પકડી પાડ્યાની તપાસ
બોર્ડર રેંજ સાયબર ક્રાઈમ પોલીસ ટુકડી દ્વારા મુંદ્રામાં ગોડાઉન પર દરોડો પાડીને 78 હજાર કિલો કે જેની કિંમત 1.56 કરોડ થવા જાય છે તેને જપ્ત કરી હતી. આદિનાથ ગોડાઉનના કબ્જેદાર અમિત શંભુલાલ કટારીયા (ભાનુશાલી) પાસે આધાર-પૂરાવા ન હોતા પોલીસે ત્રણે ટ્રક સાથે તેમાં રહેલો 78 હજાર કિલો સોપારીનો જથ્થો CrPC 102 તળે કબ્જે કર્યો હતો. પ્રતિ કિલો 200 રૂપિયા લેખે પોલીસે કુલ 1.56 કરોડના મૂલ્યની સોપારી તેમજ સોપારી લાદેલી ત્રણે ટ્રક ની દસ લાખ કિંમત ગણી કુલ 1.86 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી મુંદરા મરીન પોલીસ મથકે સુપ્રત કર્યો હતો.
500 કરોડની વધુની સોપારી તો ઘુસી હોવાની શક્યતા
હવે આ કાર્યવાહીનો દોર એક નહિ, પરંતુ અનેકવિધ દિશાઓ તરફ આગળ વધી રહ્યો છે. સતાવાર રુપે પ્રાપ્ત માહિતી અનુસાર મુંદ્રા સેઝના ડે. કમિશનર રોહિત સિંહની ટ્રાન્સફર જે તે વિભાગમાંજ અમદાવાદ કરી દેવાઈ છે. તો "પી' લોબી આ પાછળ હોવાની દિશામાં તપાસનો દોર ચાલી રહ્યો છે. જેમાં કંડલાના પુર્વ પીઆરઓ અને વર્તમાનમાં મુંદ્રા એસઆઈઆઈબીમાં ભુમિકા ભજવતા અધિકારીનું નામ પણ ચર્ચામાં છે. આ અંગે દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પણ ફટકાર કરાઈ હોવાનું જણાઈ રહ્યુ છે ત્યારે હવે અન્ય કેંદ્રીય એજન્સીઓએ પણ આ તપાસમાં જુકાવ્યું છે.
હવે કંડલા સેઝ કે મુંદ્રા સેઝ માટે નવી વાત નહી
પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર ઘટના માત્ર ચાર કન્ટેનર પુરતુ નહિ, પરંતુ ઘણુ વધારે હોવાનું અને અંદાજે 500 ટન જેટલી સોપારી કે અન્ય સામગ્રી જેમ કે વોશિંગ મશીન, લેપટોપ પણ દાણચોરી કરીને આવી ગયાની સંભાવના છે. સંભાવનાઓ અહી અટકટી નથી, કેમ કે કોઇ કન્ટેનર બારોબાર કાર્ગો ઉતારી શકે છે તે પરિસ્થિતિમાં ડ્રગ્સ કે હથીયાર જેવી સામગ્રી પણ ઉતરી શકવાની સંભાવનાઓ ઉભી થઈ જાય છે. આ દેશની સુરક્ષા માટે પણ ગંભીર બાબત બની છે ત્યારે માત્ર કોઇ અધિકારીની ટ્રાન્સફર કરીને સંતોષ કેમ માની શકાય તે પ્રશ્ન છે. ખરેખર તો જે તે અધિકારી કે જેની આગેવાની હેઠળ આટલી સ્મગલીંગના કારનામા થયા તે વિરુદ્ધ તપાસ થવી જોઇએ અને તે સમય સુધી તેમને સસ્પેંડ કરવા જોઇએ તેવો સુર ઉઠવા પામ્યો છે.
73કન્ટેનર નિકળ્યા, મુન્દ્રાના સ્થાનિક એજન્ટ અને પોલીટીકલ સંપર્ક
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે 73 કન્ટેનર જે તે વેરહાઉસ દ્વારા હેંડલ થઈ ચુક્યા છે, જે તમામ સંદેહની પરિઘીમાં આવતા હોવાથી તે દિશામાં તપાસ થવી જરૂરી બની છે. તો આ મામલામાં સ્થાનિક સીએચએ અને પોલીટીકલ સંપર્ક પણ આવતો હોવાની બાબત સામે આવી રહી છે ત્યારે સીબીઆઈ સ્તરની તપાસ આરંભાય તો સત્ય બહાર આવે તેવો સુર ઉઠવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.