ગાંધીધામમાં ટપાલ વિભાગ સ્ટાફની સીમીત સંખ્યા સહિતના કારણોસર યોગ્ય સેવાઓ પુરી ન પાડી શકતું હોવા અંગેની ફરિયાદ સતત ઉઠતી રહી છે ત્યારે ગણેશનગર સ્થિત પોસ્ટ ઓફિસમાં તો છેલ્લા કેટલાક મહિનાઓથી કામકાજ તેના અધિકારીની ગેરહાજરી અને પાસવર્ડના કારણેજ અટકેલું હોવાનું અને આ કારણે અઢીસોથી વધુ વિધવાઓને પેન્ન્શન ન મળ્યુ હોવાનું જાણવા મળે છે.
શહેરમાં સતત ખસ્તાહાલ થતી આ સમસ્યા અંગે બીએસએલએલ કચેરી પાસે આવેલી જુની અને ભુજની મુખ્ય કચેરીનો સંપર્ક સાધતા બન્નેમાંથી કોઇ પ્રત્યુતર સાંપડ્યો નહતો, ગાંધીધામની જુની પોસ્ટ ઓફિસ માસ્તરે તો અમારે કાંઈ લેવા દેવાજ ન હોવાનું કહીને હાથ ઉંચા કરી દીધા હતા. ગાંધીધામના ગુરુકુળ સહિતના પોશ અને અંતરીયાળ સહિતના વિસ્તારોમાં ટપાલ ન પહોંચતી હોવાની ફરિયાદો વારે તહેવારે ઉઠતી રહે છે, તો આ વચ્ચે શહેરના ગણેશનગર વિસ્તારમાં સમાજે લોકોના લાભાર્થે આપેલી જગ્યા પર બેસતી પોસ્ટ ઓફિસનું કામકાજ માત્ર તેના અધિકારીના મનસ્વી વલણના કારણે અટકેલું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા અઢી મહિનાથી આ સમસ્યા સતત છે તો તેની શરૂઆત આઠેક મહિના પહેલાજ થઈ ચુકી છે. નવનિયુક્ત અધિકારીના પાસવર્ડ વિના કચેરીનું સર્વર સંચાલીત થઈ શકતું નથી, સરવાળે અધિકારી "સાહેબ' ન આવતા કચેરીમાં કોઇ કામ થઈ શકતું નથી. પરીણામ સ્વરુપ અહિની કચેરીથી પેન્શન ઉઠાવતી અઢીસો થી ત્રણસો જેટલી વિધવાઓ પોતાનો હક્ક લઈ શકતી નથી અને કફોડી સ્થિતિમાં મુકાઈ રહી છે.
આ અંગે પરિસ્થિતિ અંગે વધુ જાણવા શહેરની જુની અને મુખ્ય ગણાતી બીએસએનએલ ઓફિસ પાછળ આવેલી પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધતા તેના પોસ્ટ માસ્ટરે તેમને કોઇ લેવા દેવા ન હોવાનું કે તેમને આ અંગે કોઇ જાણ પણ ન હોવાનું જણાવીને દિવાલ પર પોસ્ટ વિભાગ દ્વારા લગાવેલા નંબરોનો સંપર્ક સાધવા જણાવ્યું હતું, જેનો સપર્ક સાધતા કોઇ પ્રત્યુતર ન મળતા વિભાગનો પક્ષ આ અંગે જાણી શકાયો નહતો. પરંતુ લોકોમાંથી ઉઠતી અવાજોમાં વિધવાઓની સહાય આડે આવડી આ અડચણો અંગે ભારોભાર રોષની લાગણી જોવા મળી હતી. નોંધવું રહ્યું કે ગણેશનગરની પોસ્ટ ઓફિસથી સેક્ટર 7, સપનાનગર, વાવાઝોડા એરીયા સહિતના વિસ્તારોથી બહેનો પેન્શન લેવા આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.