ધરપકડ:કચ્છ અને સયાજીનગરીમાંથી મોબાઇલ અને લેડિઝ પર્સ ચોરનાર શખ્સ પકડાયો

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ રેલ્વે પોલીસે એસી કોચમાંથી થતી ચોરીઓનો ભેદ ઉકેલી લીધો

ગાંધીધામ સ્ટેશને આવતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી પ્રવાસીઓના મોબાઇલ અને લેડિઝ પર્સની ચોરી કરતા અંજારના શખ્સને ગાંધીધામ રેલ્વે પોલીસે સ્ટેશન ઉપરથી જ પકડી લઇ એસી કોચમાંથી થતી ચોરીઓનો ભેદ ઉકેલી લઇ રૂ.1.05 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

ગાંધીધામ રેલ્વે પોલીસ મથકના પીએસઆઇ પી.કે.સોંદરવાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે , તા.5/1 ના રોજ અમદાવાદથી સયાજી નગરી એક્સપ્રેસમાં એસી કોચમાં મુસાફરી કરતા ફરિયાદી મહિલાએ સીટ ઉપર રાખેલું પર્સ તેમજ મોંઘો મોબાઇલની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાયા બાદ રેલ્વે પોલીસે ગાંધીધામ સ્ટેશને ચાંપતી નજર રાખી હતી તે દરમિયાન સોમવારે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા અંજાર વીડી બગીચા પાસે મુર્તજાનગરમાં રહેતા નજીરહુસેન હારૂનભાઇ સઠીયાની અટક કરી પુછપરછ કરતાં તેણે આ ચોરી કબુલી હતી અને પકડાયેલા આરોપી પાસેથી રૂ.99,900 ની કિંમતનો મોબાઇલ ફોન અને રૂ.6,000 રોકડ ભરેલા પર્સ સહિત કુલ રૂ.1,05,900 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

પકડાયેલા આરોપીએ કચ્છ એક્સપ્રેસના એસી કોચમાંથી બોરીવલીથી ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીનો મોબાઇલ અને બેગ ચોરી કર્યા હોવાની પણ કબૂલાત આપતાં બન્ને ગુનાનો ભેદ રેલ્વે પોલીસે પાંચ જ દિવસમાં ઉકેલી લીધો હતો. પકડાયેલા આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા બાદ હાલ તે ત્રણ દીવસના રિમાન્ડ હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કામગીરીમાં પીએસઆઇ સાથે એએસઆઇ મહમ્મદખાન , હેડકોન્સ્ટેબલ શામળાભાઇ,કોન્સ્ટેબલ રામદેવસિંહ, અમરદિપસિંહ , જયેશભાઇ સહિતની ટીમ જોડાઇ હતી.

રાત્રે ટ્રેનમાં પ્રવાસીઓની ઉંઘનો લાભ લેવાની આદત
સયાજી નગરી અને કચ્છ એક્સપ્રેસમાં બે દિવસના અંતરે એસી કોચમાંથી ચોરી કરનાર આરોપી નજીરહુસેન રાત્રીની ટ્રેનોમાં પ્રવાસીઓની ઉંઘનો લાભ લઇ ચોરી કરવાની આદત ધરાવતો હોવાનું પીએસઆઇ સોંદરવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...