અંજારમાં પઠાણી ઉઘરાણી:'તારા અને તારા દીકરાના હવે કેવા હાલ કરું છું તે જોઈ લેજે', ત્રણ શખ્સોએ 18 વર્ષીય યુવકનું અપહરણ કરી ધોકાથી ફટકારી હાથે ફ્રેક્ચર કરી

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજારનાં ત્રણ શખ્સોએ ઉછીનાં નાણાંની કહેવાતી પઠાણી ઉઘરાણી માટે 18 વર્ષિય યુવકનું કારમાં અપહરણ કરીને ધોકાથી ફટકારી ડાબા હાથે ફ્રેક્ચર કરી નાખ્યું હોવાનો બનાવ બહાર આવવા પામ્યો છે. સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં અંજારના કળશ સર્કલ નજીક બનાવ બન્યો હતો.

અંજારની ઓક્ટ્રોય ચોકડી નજીક હનુમાનનગરમાં રહેતાં અને શાકભાજી વેચતાં પ્રેમજીભાઈ દાતણીયાના પુત્ર અનિલે ૨૦૧૯માં મનીષ સોરઠીયા નામના શખ્સ પાસેથી ઉછીના નાણાં લીધા હતા. અનિલે ઉછીના મેળવેલાં તમામ નાણાં પરત ચૂક્ત કરી દીધાં હોવા છતાં મનીષ તેની પાસે સતત વધુ નાણાંની ઉઘરાણી કરતો રહેતો હતો. સોમવારે સાંજે કળશ સર્કલ પાસે જાહેર શૌચાલય બહાર અનિલ ઊભો હતો દરમ્યાન મનીષ અને તેના બે સાગરીતો તેને કારમાં ઉઠાવી ગયાં હતા. અપહરણ સમયે અનિલે ફોન કરીને ભાઈને જાણ કરતાં તેના પિતા અને ભાઈ કળશ સર્કલ પર પહોંચ્યાં હતા. બરાબર તે જ સમયે આરોપીઓ ત્યાં આવી ઘાયલ અનિલને નીચે ઉતારી ગયાં હતા અને જતાં જતાં એક જણે અનિલના પિતાને ધમકી આપી હતી કે ' તારા અને તારા દીકરાના હવે કેવા હાલ કરું છું તે જોઈ લેજે ' અનિલને પરિવારજનો પ્રથમ સરકારી અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતા. અનિલને શરીરે ઠેર ઠેર મુઢ ઈજા સાથે ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...