ગાંધીધામમાં ગાયોના મૃતદેહોના નિકાલ માટે સેક્ટર 5પહોંચેલા ટ્રેક્ટરને સ્થાનિકોએ પકડી લઈને નગરપાલિકા લઈ ગયા હતા, જ્યાં કલાકો સુધી પાલિકા કચેરી બહાર ટ્રેક્ટર ઉભુ રહ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે પુરતી પ્રક્રિયા વિના જાહેરમાંજ પશુઓને ફેંકી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે શ્વાનો થકી રહેણાક વિસ્તારો સુધી વિચલીત કરતો ટુકડાઓ આવી પહોંચે છે, જેના કારણે ન માત્ર લોકોની લાગણી દુભાઈ રહી છે પરંતુ આરોગ્યને ભારે નુકશાન પહોંચે અને બીમારી ફાટી નિકળે તેવી દહેશતના આધારે અહીથી ટ્રેક્ટરને રોકીને પાલિકા કચેરીએ લઈ જવાયું હતું.
ગાંધીધામમાં ગૌવંશમાં ફેલાઈ રહેલા લમ્ફિ રોગના કારણે રોજનો મૃતકાંક 30 ની આસપાસ છે, તેમાંય જે જમીન પર પાલિકા મૃતદેહોને દફનાવતી હતી ત્યાં સ્થાનિકોના વિરોધ બાદ પ્રક્રિયા બંધ કરવી પડી હતી. ત્યારબાદથી સેક્ટર 5 એરીયામાં મેદાન પાછળના વિસ્તારમાં આ પ્રોસેસ કરાતી હતી, તે દરમ્યાન મંગળવારના બપોરે ગાયોના મૃતદેહોને લઈને તે સાઈટ પર જઈ રહેલા ટ્રેક્ટરમાંથી એક દેહ નીચે પડતા સહુનું ધ્યાન ખેંચાયું હતું અને દોડી જતા મૃતદેહોને અહી જાહેરમાં પ્રક્રિયા વિરુદ્ધ નાખી દેવાયાનું સામે આવતા ટ્રેક્ટરનો કબ્જો લઈને તેને નગરપાલિકા કચેરીએ લઈ આવ્યા હતા.
સ્થાનિકો સાથે વિપક્ષના નેતા જોશીએ પણ પાલિકા ધસી આવીને પાલિકાની નીતી પર સવાલ ઉઠાવ્યા હતા. મોડી સાંજ સુધી મૃતદેહો ભરેલું ટ્રેક્ટર પાલિકાના દ્વાર સામે ઉભુ રહ્યું હતું, જેને કારોબારી ચેરમેન પુનિત દુધરેજીયા અને મોમાયા ગઢવીએ સ્થળ પર પહોંચીને ઉપસ્થિતોને જે તે સ્થળે હવેથી મૃતદેહો નહી ફેંકાય તેવી ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો અને ટ્રેક્ટરને હટાવાયું હતું. પોર્ટ દ્વારા સુચિત કાસેઝની પાછળની અને તુણા રોડ જતા નકટી પાછળની સાઈટ પર હવેથી આ કામ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. પરંતુ આ ઘટનાક્રમથી પરિસ્થિતિ કેટલી વિકટ બની રહી છે તે દર્શાવે છે.
સુધરાઈ જવાબદારીમાંથી છટકી રહી છે, તાત્કાલિક પગલાં ભરવા જરૂરીઃ વિપક્ષ
ગાંધીધામ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સમીપ જોશીએ જણાવ્યું કે સુધરાઈ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે, આ રોગ વકરી રહ્યો છે ત્યારે તે અંગે તાત્કાલિક પગલા ભરીને એરીયા વાઈસ ટીમો બનાવવી જોઇએ, ખાડાઓ ખોદી રાખવા, સારવાર જેવા પગલાઓમાં ગતી લાવવી જોઇએ. સેક્ટર 5ના જાગૃત નાગરિકોએ જે રીતે રોગચાળો ફેલાય તે પહેલા સચેત રહીને આ પ્રશ્ન ઉઠાવ્યો તેમ અન્યોએ પણ પોતાના સવાલો બુલંદ કરવા જોઇએ.
રામલીલા મેદાનનો એક ભાગ ત્રણ સંસ્થાઓને સંક્રમિત ગાયોની માવજત માટે અપાયો
રામલીલા મેદાનનો એક ભાગને સંક્રમિત ગાયોની સારવાર અને મદદ કરી શકાય તે માટે નગરપાલિકા દ્વારા ભારત વિકાસ પરિષદ, આરએસએસ પ્રેરીત સેવા સાધના અને અગ્રવાલ સમાજને નિર્ધારીત સમયાવધી માટે ફાળવાયો હતો. જેમાં ચેમ્બર અને પાલિકા અને સંસ્થાઓ મળીને અહી ગૌશાળાઓમાં જે ગાયો સંક્રમિત થઈને આવી રહી છે તેમની માવજત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.