રાપર તાલુકાના માંજુવાસ પાસેની નર્મદાકેનાલ પર એલસીબીની ટીમે પીછો કરી બે કારમાંથી રૂ.3.69 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઇ આ વિસ્તારમાં રણ માર્ગે થતી દારૂની હેરાફેરી ઉપર તવાઇ બોલાવી હતી પરંતુ બન્ને કારમાંથી ત્રણ આરોપી વાહનો મુકી નાસી ગયા હતા.
એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ટીમ રાપર વિસ્તારમાં ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન માંજુવાસ સીમમાં પહોંચી ત્યારે હેડકોન્સ્ટેબલ ખીમજી રાણાભાઇ ઢીલા અને રાજેશ પરમારને બાતમી મળી હતી કે વડોદરા પાસિંગની અર્ટિકા કારમાં વૌવા રણના છૂપા રસ્તે માંજુવાસ નર્મદા કેનાલવાળા રસ્તે ફતેહગઢ તરફ આવી રહી છે જેમાં વીદેશી દારૂનો જથ્થો ભરેલો છે.
આ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન કાર આવતાં તેને રોકવા ઇશારો કરતાં થોડે દુર કાર ઉભી રાખી બે જણા ભાગ્યા હતા જેનો પીછો કર્યો પણ હાથ લાગ્યા ન હતા. કારની તલાશી લેતાં રૂ.1,34,400 ની કિ઼મતના દારૂની 180 એમએલની 1,344 બોટલો અને રૂ.12,000 ની કિંમતના 120 બિયરના ટીન મળી આવતાં કાર અને કારમાંથી મળેલા મોબાઇલ સહિત કુલ રૂ.6,56,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તો પરોઢે બીજી બાતમીના આધારે નિશાન ટેરેનો કારને રોકવા ઇશારો કર્યો પણ ચાલકે ઉબડ ખાડબ રસ્તે કાર ભગાવતાં તેનો પીછો કરાયો પરંતુ ચાલક કાર મુકી નાસી ગયો હતો, કારની તલાશી લેતાં કારમાંથી રૂ.1,38,600 ની કિંમતના વિદેશી શરાબની 396 બોટલો, રૂ.19,200 ની કિંમતના 192 ક્વાર્ટરિયા અને રૂ.64,800 ની કિંમતના 648 બિયરના ટીન મળી બન્ને કારમાંથી મળેલો 3,69,000 ની કિ઼મતનો દારૂ અને બે વાહનો અને મોબાઇલ સહિત કુલ રૂ.12,78,600 નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ વિરૂધ્ધ રાપર પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ એસ.એસ.વરૂ, વી.આર.પટેલ અને સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.