વાગડમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી વચ્ચે એસએમસીના દરોડા બાદ એલસીબી અને સ્થાનિક પોલીસે સતત દારૂના ધંધાર્થીઓ પર તવાઇ જારી રાખી છે જેમાં બે દરોડા પાડી કુલ રૂ.7.68 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક કુખ્યાત બુટલેગર સહિત 5 આરોપી પકડી ગુનો નોંધ્યો હતો.
એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ સામખિયાળી વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, માળીયા તરફથી બોલેરો પીકઅપ ડાલુ ગાડીમાં ઠંડા પીણાની બાટલીઓની આડમાં દારૂનો જથ્થો સંતાડી સામખિયાળી તરફ પહોંચાડવા આવી રહ્યો છે.
આ બાતમીના આધારે સુરજબારી ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી બાતમી મુજબનું વાહન આવતાં તેને રોકી તલાશી લેતાં ઠંડા પીણાની આડમાં રાખેલો દારૂનો જથ્થો મળી આવતાં મુળ પલાંસવાના હાલે ગળપાદર ભૂમી રેસિડેન્સીમાં શિવરાજસિંહ શેખાવતની હવેલીમાં રહેતા વાહન ચાલકડાહ્યાભાઇ વીશાભાઇ પીરાણીએ આ દારૂ વડોદરાના કુખ્યાત બુટલેગર વિનોદ મુરલીધર ઉદવાની ઉર્ફે વીજુ ઉર્ફે વિનોદ સિંધી તથા આબુરોડ નજીક રહેતા આનંદપાલસિંહ ઉર્ફે ડીકશા દેવડા, અને લક્ષ્મણરામ વીરમાજી રબારીએ ભાગીદારીમાં ભરાવી દીધો છે અને તે મારા શેઠ શિવરાજસિંહ શેખાવત, ધીરેન કારીયા અને બાલુભાઇ પરબતભાઇ કોડીયાતરઆ જથ્થાનું કટિંગ કરાવી આપે છે.
આ કબૂલાત બાદ તેણે આ ત્રણે જણા ઓનેસ્ટ પર હાજર હોવાનું જણાવતાં પોલીસે રૂ.4,48,320 ની કિંમતના વિદેશી શરાબની 996 બોટલો અને રૂ.76,800 ની કિંમતના બિયરના 768 ટીન સાથે કુખ્યાત બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત, ડાહ્યાભાઇ વીશાભાઇ પીરાણી, બાલુભાઇ પરબત કોડીયાતર અને મહેશ ઉર્ફે લેમન મ્યાજરભાઇ જરૂને પકડી 46 હજાર રોકડ, બે વાહન અને 9 મોબાઇલ સહિત કુલ રૂ.17,95,120 નો મુદ્દામાલ કબજે કરી ન પકડાયેલા વિનોદ મુરલીધર ઉદવાની ઉર્ફે વિનોદ સિંધી, આનંદપાલસિંહ દેવડા, લક્ષ્મણરામ વીરમાજી દેવાશી અને ધીરેન કારીયા સહિત 8 વિરૂધ્ધ સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ એસ.એસ.વરૂ અને એલસીબી સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.