કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બે કંપનીઓમાંથી થયેલી ચોરીની ઘટના સતત બે દિવસ નોંધાયા બાદ બી-ડિવિઝન પોલીસે કિડાણાના ચાર ઇસમોને આ બન્ને કંપનીઓમાંથી ચોરી કરેલા 47 હજારના સ્પેર પાર્ટ અને સ્ક્રેપ સાથે પકડી લઇ ભેદ ઉકેલી લીધો હતો.
બી-ડિવિઝન પીઆઇ એમ.એન.દવેએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કાસેઝમાં આવેલી પ્રાજ કંપની તથા ઇનોક્ષ ઇન્ડીયા લિ. કંપનીમાંથી લોખંડના સ્પેરપાર્ટ અને સ્ટીલના સ્ક્રેપની ચોરી થઇ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાયા બાદ આ ચોરી કરનાર ઇસમોને પકડી ભેદ કેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.
તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાસેઝની બે કંપનીમાં ચોરીને અંજામ આપનાર કિડાણા સો ચોરસવારમાં રહેતા ફરીદ ઇબ્રાહિમ કટિયા, ઇમરાન ઇબ્રાહિમ કટિયા, ઇબ્રાહિમ હાજી ચાવડા અને અસગર અયુબ કટિયાને પકડી લઇ તેમની પાસેથી પ્રાજ કંપનીમાંથી ચોરી કરેલા રૂ.10,000 ની કિંમતના 200 કિલોગ્રામ લોખંડના સ્પેરપાર્ટ અને ઇનોક્ષ ઇન્ડીયા લિ. કંપનીમાંથી ચોરી કરેલો રૂ.37,500 ની કિંમતનો 250 કિલોગ્રામ સ્ટીલનો સ્ક્રેપ મળી કુલ રૂ.47,500 નો ચોરી કરેલો મુદ્દામાલ રિકવર કરી આ બન્ને ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. જો કે જીઆઇડીસી ઝૂંપડામાં રહેતો પ્રકાશ માવજી દેવીપૂજક હજી પકડવાનો બાકી છે. આ કામગીરીમાં પીઆઇ દવે સાથે પીએસઆઇ ડી.જી.ગોહિલ અને બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.