ગાંધીધામમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો ઘણા વધ્યાં છે. ચોરો જાણે પોલીસના ડર વગર બેફામ બનીને તસ્કરીને અંજામ આપી રહ્યાં છે. ત્યારે ચોરીની એક ઘટના સુભાષનગરમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા એક કર્મીના બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી 1.86 લાખની ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. ગાંધીધામ શહેરના સુભાષનગરના બંધ મકાનમાંથી રૂપિયા 1.86 લાખના દાગીનાની ચોરી થઈ હોવાની ફરીયાદ પોલીસ મથકે નોધાઈ હતી. આ અંગે વોર્ડ 8, સુભાષનગરમાં રહેતા અને રેલવેમાં લોકલ પાયલોટ તરીકે એક વર્ષથી ફરજ બજાવતા મનોજકુમાર સિંહેએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને એ-ડીવીઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, બુધવારે બપોરે 12 વાગ્યે તેઓ ઘર બંધ કરી નોકરી ગયા હતા. રાત્રે પોણા દસ વાગ્યે તેઓ નોકરી પૂર્ણ કરી ઘરે આવ્યા. ત્યારે ઘરનાં દરવાજાનું તાળું તુટેલુ હતું અને દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર જઈને તપાસ કરી તો તિજોરીનો તમામ સામાન વેરવિખેર હતો. તપાસ કરતાં તસ્કરોએ સોનાનું મંગળસુત્ર, સોનાના બે પેન્ડલ, સોનાનું નાનું મંગળસુત્ર, સોનાની બે વીંટી, ડાયમન્ડવાળી સોનાની વીંટી, સોનાની ચેઈન, સોનાનાં બે ઝૂમખા, સોનાની બુટ્ટી, લોકેટ, ચાંદીના પાયલ મળી કુલ રૂપિયા 1,86,400ના દાગીનાની ચોરી કરી ગયા હોવાનો ખ્યાલ આવતા તેમણે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચીલઝડપ કરનારા રીઢા યુવકને 7 વર્ષની સખત કેદ
ચેઈન અને મોબાઈલ ફોનની ચીલઝડપના અનેક કેસના રીઢા આરોપી શબ્બિર ઊર્ફે સબલો ચાવડાને ગાંધીધામ સેશન્સ કોર્ટે 7 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આદિપુરમાં ગત 9 જૂન 2021ના રોજ સબલો મૈત્રી ગાર્ડનથી વંદના ચોક પર વૉકિંગ કરી રહેલાં યુવકને પાછળથી ધક્કો મારી, 17 હજારના મૂલ્યના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી એક્ટિવા પર નાસી છૂટ્યો હતો. આ ગુનામાં આદિપુર પોલીસે દસ દિવસની અંદર સબલા (ઉ.વ.22, રહે. કિડાણા, ગાંધીધામ)ની ધરપકડ કરી ફરિયાદીનો મોબાઈલ ફોન રીકવર કર્યો હતો. આ ગુનામાં ગાંધીધામના એડિશનલ સેશન્સ જજ એમ. જે. પરાશરે ઈપીકો કલમ 379A હેઠળ સબલાને દોષી ઠેરવી 7 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ દલીલો કરી હતી. સબલા વિરુદ્ધ મોબાઈલ ફોન અને ચેઈનની ચીલઝડપના આઠથી દસ જેટલાં ગુના નોંધાયેલાં છે અને ચેઈનની ચીઝલડપના ગુનામાં અગાઉ કોર્ટ તેને 10 વર્ષની કેદની સજા ફટકારી છે તેમ જાડેજાએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.