ગાંધીધામ નજીક મીઠીરોહર પાસે ઓરડીમાં કોઇપણ જાતની માન્ય ડીગ્રી વગર પોતાની ઓળખ તબીબ તરીકે આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા બોગસ તબીબને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પીઆઇ એ.બી.પટેલને મળેલી બાતમીના આધારે મીઠીરોહર પાસે આવેલા લક્ષ્મણ ટીમ્બરની બાજુની ઓરડીમાં દરોડો પાડી કોઇપણ જાતની માન્ય ડીગ્રી વગર પોતાની ઓળખ તબીબ તરીકે આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા મુળ પશ્ચિમ બંગાળના 12 ધોરણ પાસ બીટુ ચીત્તરંજન સમાજપતીને પકડી લઇ તેના કબજામાંથી મેડિકલના સાધનો, એલોપથી દવાઓ, રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ.5,155 નો મુદ્દામાલ જપ્ત કરી મેડીકલ પ્રેકટીસ એક્ટ ની કલમ 30 તથા 35 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
ગાંધીધામ શહેરમાં 2011ની જન ગણના અનુસાર અઢી લાખ જેટલી જનતા રહેવાસ કરે છે પરંતુ ટીમ્બર સહિતના ઉદ્યોગોમાં દેશભરથી આવતા શ્રમિકોને જોતાં અંદાજે 5 લાખ જેટલા લોકો અહીં રહેતા હોવાનું મનાય છે. મહત્વનું છે કે અવાર નવાર પોલીસ દ્વારા દરોડા પાડીને બોગસ તબીબને ઝડપી લેવાય છે. પણ જવાબદાર એવા આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાઇ તે વાત ઘણી સુચક માની શકાય તેમ છે.
આ ધોરણ12 પાસ નકલી તબીબ બિલ્ટુ બીજી વખત પકડાયો !
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે મીઠીરોહર પાસે ઓરડીમાં કોઇપણ ડીગ્રી વગર તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા બિલ્ટુ સમાજપતિને અગાઉ ગત વર્ષે તા 30/06/2021 ના રોજ પોલીસે આ જ સ્થળેથી પ્રેક્ટિસ કરતાં ઝડપ્યો હતો અને તેની વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો . પશ્ચિમ બંગાળનો બિલ્ટુ છેલ્લા આઠ નવ વર્ષથી મીઠીરોહરમાં તબીબ તરીકે ઓળખ આપી ગેરકાયદેસર રીતે એકવાર પકડાયા પછી પણ બેખોફ રીતે પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ વિસ્તારમાં આવા અનેક બોગસ તબીબો ધંધો કરી રહ્યા છે ત્યારે આવા તત્વોને કડક સજા કરાય તેવી માંગ પણ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.