ગત વર્ષે સંસદમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે રજુ કરેલા દેશના અંદાજપત્રમાં સંકેત આપી દીધા હતા કે સેઝ એક્ટમાં આમુલ પરિવર્તન થવા જઈ રહ્યું છે, જેનો સમયગાળો તેમણે ઓક્ટોબર ''22નો આપ્યો હતો. પરંતુ બીલના ડ્રાફ્ટને લઈને બન્ને મુખ્ય વિભાગો એક ન થઈ શક્તા તેની સમય સીમા લંબાઈ અને હવે સેઝ એક્ટનું સ્થાન લેનારા દેશ એક્ટની જાહેરાત ઠીક એક મહિના બાદ દેશના બજેટમાં કરવામાં આવનાર છે, જેનો સર્વાધિક પ્રભાવ કચ્છના અર્થતંત્ર પર સીધો પડનારો છે.
સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન એક્ટ 1965માં લાગુ થયો હતો અને દેશજ નહિ, પરંતુ એશિયા ખંડનું પ્રથમ સેઝ કંડલા સ્પે. ઈકોનોમિક ઝોન નું તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનાં હસ્તે શરૂ કરાયું હતું. એક્ટમાં ઘણા બધા આમૂલ પરિવર્તન કરવાની જરૂર હોવાનો સુર ઉઠવા પામ્યો હતો.
જેને ધ્યાને લઈને હવે કેંદ્ર સરકાર આવતા મહિનેજ આવી રહેલા બજેટમાં "સેઝ''ને રદ કરીને "દેશ' પોલીસી લાગુ કરે તેવી પૂર્ણ સંભાવના મંત્રાલયના આંતરિક સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. "દેશ'' એક્ટ માંથી સેઝની એ તમામ ખામીઓને કાઢી નાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેના કારણે ટ્રેડને મુશ્કેલીઓ પડી રહી છે. અને મુખ્ય રૂપે માત્ર નિકાસલક્ષી (એક્સપોર્ટને ધ્યાનમાં રાખીનેજ) નીતિને બદલી રોજગાર, મેન્યુફેક્ચરિંગ અને સ્થાનિક ઉધોગોને પણ બળ આપવાની દિશા પર ફોકસ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.