કાર્યવાહી:‘વેનીટી કેસ’ ના નામે મુન્દ્રા સેઝમાં આયાતી 74 કરોડની કોસ્મેટીક જપ્ત

ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાણચોરી । મુન્દ્રાના એપસેઝમાં ચીનથી આવેલા કન્ટેનરમાં ડીઆરઆઈની કાર્યવાહી
  • એક જ પ્રોડક્ટ કહીને મોંઘી દાટ બ્રાંડેડ કોસ્મેટીક પ્રોડક્ટ છુપાવી હતી

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા મુંદ્રા સેઝમાં ચીનથી આવેલા એક કંટેનરની તપાસ કરતા તેમાં ડિક્લેર ન કરેલી અને ડિક્લેર સામાન ની પાછળ છુપાવેલી મોંઘીદાટ કોસ્મેટીક પ્રોડક્ટ્સ જંગી માત્રામાં મળી આવી હતી. 74 કરોડ જેટલી કિંમતના આ કાર્ગોને ડીઆરઆઈએ સીઝ કરીને તપાસના ઘોડા આયતકાર સહિતના સંદર્ભોમાં દોડાવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી તંદ્વા અવસ્થામા સરી પડેલી ડીઆરઆઈએ ફરી સક્રિયતા થઈ હોય તેમ એક મેગા ઓપરેશનને હાથ ધરીને દાણચોરીના મોટા કારસાને ઝડપી પાડ્યો હતો. ઈ સિગારેટ્સની કરોડોની દાણચોરી અને પોલીસી સાથે ખીલવાડ માટે ચર્ચામાં આવેલા મુંદ્રા એપસેઝથી ફરી એક વાર મોટો સ્મગલીંગ કેસનો પર્દાફાશ કરાયો હતો. ડીઆરઆઈએ મુંદ્રાના એપસેઝમાં ચીનથી આવેલા એક કંટેનરને રોકાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં "વેનીટી વેન' ના 773 પેકેજ હોવાનું જાહેર કરાયું હતું.

પરંતુ જ્યારે કન્ટેનરને ખોલાવીને આખા કાર્ગોની તપાસ શરૂ કરવામાં આવી તો ખબર પડી કે શરૂઆતની કેટલીક હરોળમાં તો જાહેર કર્યા અનુસારનો "વેનીટી વેન' નો કાર્ગો હતો. પરંતુ તેની પાછળ વિવિધ પ્રકારની કોસ્મેટિક પ્રોડક્ટ્સ છુપાવેલી હતી. જેમાં મેકઅપથી લઈને ક્રીમ, ઓઈલ સહિત તમામનો સમાવેશ થાય છે અને બધી પ્રોડક્ટ્સ બ્રાંડેડ હોવાથી મોંઘી હોવાનું સામે આવ્યું હતું. કુલ ગણતરી કર્યા બાદ અંદાજે 74 કરોડનો કાર્ગો જપ્ત કરીને કસ્ટમ એક્ટનું આને ઉલ્લંઘન કરી તપાસનો દોર આરંભ્યો હતો. ડીઆરઆઈ ઈન્ટ્લેક્ચ્યુઅલ પ્રોપટી રાઈટ્સના દ્રષ્ટિકોણની તરફ પણ તપાસ કરી રહી છે.

મેકઅપ ફાઉન્ડેશનથી લઈ કન્ડીશનર, આઈ લાઈનર, બ્યુટી ઓઈલ અને ક્રીમ સહિતનો સામાન મળી આવ્યો
વેનીટી કેસના નામે આવેલા કાર્ગોની પાછળના ભાગે મોટા પ્રમાણમા મળેલો છુટક અને બ્રાંડેડ સામાનમાં મેકઅપ ફાઉન્ડેશન, લીપગ્લોસ, હેયર કન્ડીશનર, લીક્વીડા આઈલાઈનર, બ્યુટી ઓઈલ, માય્બેલીન, મેટ્રીક્સ સહિતનો સોંદર્ય પ્રસાધનનો સામાન સામેલ હતો. બ્રાંડેડ પ્રોડક્ટ્સ પર અલગથી મોટા પ્રમાણમાં ટેક્સ લાગે છે ત્યારે આ દાણચોરી પર અને ખાસ કરીને ચીનથી આવતા કાર્ગો પર વિશેષ નજર વિભાગની લાગેલી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી વિશેષ એલર્ટ, દરેક આયાત નિકાસ પર રખાતી ચાંપતી નજર
ગુજરાતમાં હાલ વિધાનસભાની ચુંટણીઓ હોવાથી કોડ ઓફ કન્ડક્ટ અનુસાર એજન્સીને વિશેષ સતર્ક કરી દેવામાં આવી છે. નોંધવુ રહ્યું કે દેશનો સૌથી મોટુ સરકારી અને સૌથી મોટુ ખાનગી પોર્ટ બન્ને, કચ્છમાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...