ગાંધીધામના સેક્ટર 5 વિસ્તારમાં જ્યા જાણીતી શનીવારી બજાર પણ ભરાય છે ત્યાંથી જીઆઈડીસી તરફના વિસ્તારોમાં રોજ કોઇ મોટા પ્રમાણમાં કચરો બાળતા તેના ધુમાડા રહેણાક વિસ્તારોમાં પહોંચતા લોકો માટે પારાવાર સમસ્યાનું કારણ બની રહ્યો છે. આ પ્રદુષણને રોકવા સ્થાનિક યુવાનો ત્રણ વાર પોર્ટ કચેરી ધસી આવ્યા હતા અને વારંવાર યોગ્ય પગલાની ખાત્રી પણ અપાઈ હતી, પરંતુ હજી પણ પરિસ્થિતિ જેમની તેમ હોવાનું જાણવા મળે છે.ગાંધીધામના સેક્ટર 5 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાંજ પડતાજ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, મુંજારો અને આંખમાં બળતરા અને નાકથી પાણી વહેવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
શરૂઆતના તબક્કે તેના કારણો કોઇ મોટી કંપની હોવાનો અંદેશો લગાવાઈ રહ્યો હતો પરંતુ વારંવારની ફરિયાદો અને લોકોમાંથી ઉઠતી રાવ છતાં ન પોર્ટ પ્રશાસને કે ન પ્રદુષણ વિભાગે આ અંગે કોઇ નક્કર કાર્યવાહી કરી. અંતે લોકોએ સમુહ બનાવીને આ સમસ્યાના મુખ્ય કારણને શોધવાની શરૂઆત કરીને તો સેક્ટર 5ના જીઆઈડીસી વિસ્તારના ડીપીએ હસ્તકના અવાવરુ પ્લોટમાં કેટલાક સ્ક્રેપ, કે જીઆઈડીસીના ઉધમી કચરો ઠાલવીને આગના હવાલે કરતા હોવાથી તેનો ઝેરીલો ધુમાડો સહુ માટે સમસ્યાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. જેની ત્રણ વાર રાવ લઈને પોર્ટ કચેરીએ ધસી ગયા પણ દરેક વખતે ખાત્રી, સાંત્વના મળી હતી. ચોકીદાર રાખવાની શરૂઆત કરાઈ જે પછી ગુમ થઈ ગયા હતા.
ભ્રષ્ટ અધિકારીઓના ઓન પેપર કેટલા ‘ચોકીદાર' ચાલે છે તેની તપાસ જરૂરી!
જીઆઈડીસીમાં પોર્ટ હસ્તકના ખુલ્લા પ્લોટ્સમાં કોઇ કચરો ન ફેંકી જાય તે માટે માટે ચોકીદારો રાખવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિકો કહે છે કે શરૂઆતના દિવસોમાં ચોકીદારો આવ્યા, હવે કોઇ આવતું પણ નથી. અગાઉથીજ ઘણા આ પ્રકારના રોજમદારો માત્ર કાગળ પર ચડાવીને ભ્રષ્ટ અધિકારીઓ મલાઈ ખાટતા હોવાની રાવ ઉઠતી રહી છે ત્યારે ખરેખર કેટલા ચોકીદાર, કે રોજમદાર ક્યાં ડ્યુટી નિભાવી રહ્યા છે તેની તપાસ થવી આવશ્યક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.