ગાંધીધામની શિપિંગ કંપનીના માલિકે આપેલો ચેક અપૂરતા નાણા ભંડોળને કારણે પરત ફરવાના કેસમાં ગાંધીધામ કોર્ટે આરોપીને દોઢ વર્ષ કારાવાસની સજા ફટકારી ચેકની રકમ કરતા બમણી રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.
આ કેસની વિગતો એવી છે કે, ગાંધીધામ સેક્ટર-8 માં ઓફિસ ધરાવતા મેરીટાઇમ ફ્રેટ એન્ડ એલાઇડ સર્વિસ પ્રા.લી. કંપનીના ડાયરેક્ટર મધુસુદન શંકરને આરોપી નોટિકલ શિપિંગ એજન્સીના માલિક ભરત હિંમતલાલ પરમાર વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ કંપની પાસેથી એજન્સી, દસ્તાવેજીકરણ અને બીજી આનુસંગિક સેવાઓ લઇને તેના શુલ્કની રકમ રૂ.3,51,869 ચૂકવવા ફરિયાદને ખાતાથી ચુકવણી માટે ચેક આપ્યો હતો.
જે ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરતાં ફરિયાદીએ ગાંધીધામ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ તળે કેસ દાખલ કરાવ્યો હતો. આ કેસ ચાલી જતાં ધારાશાસ્ત્રી અજમલ સોલંકીએ વિભિન્ન હાઇકોર્ટો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ટાંકી ફરિયાદી તરફે ધારદાર દલીલો કરી હતી. આ દલીલો ગ્રાહ્ય રાખી અધિક ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એ.શેખે આરોપીને દોઢ વર્ષ કારાવાસની સજા ફટકારી ચેકની રકમ કરતાં બમણી રકમ ચુકવવા આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.