અંજારમાં સમયાંતરે વ્યાજખોરો સામે નોંધાતી ફરિયાદો જ કહે છે કે ત્રાસ કેટલો છે, આવા જ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીએ પોતાના મોટા ભાઇની બિમારી સમયે લીધેલી રકમ ઉંચું વ્યાજ ભરીને ચૂકવી છતાં ત્રણ જણા ચેક બાઉન્સ કરાવવાની અને રકમ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.
અંજાર નવી કોર્ટ સામે હંગામી આવાસમાં રહેતા 47 વર્ષીય વેપારી ભાવેશભાઇ રાજાભાઇ વાઢેર (મિસ્ત્રી) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં તેમના મોટાભાઇ નિતિનભાઇને લીવરની બિમારી થતાં તેમની સારવાર સમયે રૂપિયાની જરૂર હોઇ એક વર્ષ પહેલાં અંજારના રાણાભાઇ આહિર પાસેથી રૂ.1 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા અને સિક્યુરીટી પેટે એચડી એફસી બેંકના બે કોરા ચેક સહી કરેલા આપ્યા હતા. થોડા થોડા કરીને તેમણે રૂ.1.30 લાખ રોકડા તેમજ ઓનલાઇન ચૂકવી આપ્યા હતા. તેમ છતાં તે આજે તેમની પાસે પઠાણી ઉઘરાણી કરે છે.
અંજારના કપીલભાઇ પટેલ પાસેથી તેમણે રૂ.1.30 લાખ40 ટકા વ્યાજે લઇ તેમને પણ બે કોરા ચેક આપ્યા હતા. કપીલને તેમણે થોડા થોડા કરી વ્યાસ સહિત રૂ.2.59 લાખ ચૈકવી આપ્યા છે , તો ખેડોઇના ઇન્દ્રસિંહ ઉર્ફે બબાભાઇ જાડેજા પાસેથી તેમણે રૂ.1.80 લાખ લઇ પાંચ કોરા ચેક સહી કરેલા આપ્યા હતા. તેમને રૂ.1.36 લાખ વ્યાજ સહિત ચૂકવ્યા છે પરંતુ આ ત્રણે જણા ઓફિસે આવી પઠાણી ઉઘરાણી કરે છે, ચેક બાઉન્સ કરાવે છે અને કરાવવાની ધમકી આપે છે. જો તું અમારી રકમ નહીં આપે તો જાનથી મારી નાખશું તેવી ધમકી પણ આપતા હતા. આ બાબતે તેમજ્ણે ફરિયાદ અરજી કરતાં ત્રણે જણાએ સમાધાન કરવા પણ કહ્યું પરંતુ સમાધાન ન થતાં આ બાબતે ત્રણે વિરુધ્ધ તેમણે ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું પણ ભરાયું છે
અંજારમાં વ્યાજખોરોના ત્રાસથી અને સતત ધાક ધમકીથી કંટાળેલા એક યુવકે ગળે ફાંસો ખાઇ લીધો હોવાની ઘટના પણ બની ચૂકી છે, તો અનેક આવા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો ફરિયાદ નોંધાવી ચૂક્યા છે તો અમુક લોકો ડરના માર્યા સહન કરતા હોય છે ત્યારે આ દિશામાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ લોક દરબારમાં ઉઠી ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.