ચોરી:રાપર તાલુકામાં નિશાચરોને ખેતર હોય કે શાળા શું ફેર પડે છે, 4 ચોરીને અંજામ આપી ગયા

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ખેતરમાંથી 62 હજારનો પાક સાથે કેબલ,તો બીજામાંથી 48 હજારનો વાયર ચોરી કરી ગયા

રાપર તાલુકામાં તસ્કરોને ખેતર હોય કે શાળા કંઇ ફરક નથી પડતો, રાપરમાં બે ખેતર અને માધ્યમિક શાળામાં એક રાત વચ્ચે ત્રાટકેલા નિશાચરો ચાર ચોરીને અંજામ આપી ગયા છે, શાળાના તાળા તોડી રૂ.23 હજારના ઉપકરણો, બે ખેતરમાં રાખેલા 62 હજારની કિંમતના કોપર કેબલ સાથે ગુવાર અને રાયડાનો પાક તો ત્રીજા ખેતરના બંધ મકાનમાંથી રૂ.48 હજારનો કેબલ ચોરી કરી ગયા હોવાની ઘટના નોંધાઇ છે.

મુળ રાણીપના હાલે રાપર રહેતા અને મામલતદાર કચેરી પાછળ આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા અમિતભાઇ દશરથભાઇ બારોટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચોરીની ઘટના તા.26/7 ના બપોરે બે વાગ્યા થી તા.27/7 ના સવારે સાડા સાત વાગ્યા દરમીયાન બની હતી જેમાં રાત વચ્ચે ત્રાટકેલા તસ્કરો શાળાના તાળા તોડી રૂ.10,000 ની કિંમતનો કોમ્પ્યુટર સેટ, રૂ.1,500ની કિંમતનું પ્રીન્ટર, રૂ.2,000 નું ટ્રોલી સ્પીકર અને રૂ.10,200 ની કીંમતના 17 સિલિંગ ફેન મળી રૂ.23,700 ના ઉપકરણો ઉપાડી ગયા હોવાની ફરીયાદ તેમણે નોંધાવી હતી.

તો તકિયાવાસમાં રહેતા 58 વર્ષીય ખેડૂતનાનજીભાઇ કેશાભાઇ સાંઢાના ખારીવાડી વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં તે જ રાત્રે ઘૂસેલા તસ્કરો રૂ.21,000 ની કિંમતના ગુવારના 7 કટ્ટા, રૂ.28,800 ની કિંમતનો 12 મણ રાયડો તેમજ બાજુમાં આવેલા રામજીભાઇના ખેતરમાંથી રૂ.13,000 ની કિંમતનો 150 ફૂટ કોપર કેબલ ઉપાડી ગયા હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.

રાપરના નવાપરાની વાડીના બંધ મકાનમાંથી પણ 48 હજારનો વાયર ચોરાયો
રાપરની શાળા અને બે ખેતરો સાથે નવાપરામાં ખેતર ધરાવતા વાઘજીભાઇ બાબુભાઇ ચામરિયાના ખેતરમાં પણ તા.26/7 ની રાત્રે ત્રાટકેલા તસ્કરો ખેતરના બંધ મકાનમાંથી રૂ.48,000 ની કિંમતનો 120 મીટર કોપર કેબલ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ તેમણે રાપર પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...