અગરિયાઓમાં આનંદની લહેર:કચ્છમાં મીઠાનું આ વર્ષ રેકોર્ડ બ્રેક દોઢ કરોડ ટન જેટલું મબલખ ઉત્પાદન, 85 લાખ ટન નિકાસ , 1500 કરોડનું હુંડિયામણ આવ્યું

ગાંધીધામ11 દિવસ પહેલાલેખક: રમજુ છત્રા
  • કૉપી લિંક

દેશમાં ઉત્પાદિત થતાં કુલ નમકમાંથી 70% માત્ર કચ્છમાં જ થાય છે.નાનું મોટું રણ હોય કે દરિયા કિનારો જ્યાં જુઓ ત્યાં નમકની સફેદી જ સફેદી નજરે પડે છે. આ વર્ષે દોઢ કરોડ ટન જેટલું રેકર્ડ બ્રેક મીઠું ઉત્પાદિત થતાં કચ્છના ઉદ્યોગગૃહોથી માંડીને નાના અગરિયાઓ સુધી આનંદની લહેર છે. બીજી તરફ સરકારના કેટલાક નિયમો અને જુની લીઝો રીન્યુમાં સરળતા થાય તેવું આ ક્ષેત્રના ઉદ્યોગકારો ઇચ્છી રહ્યા છે. જુની લીઝો ધરાવતા ઉદ્યોગોને હસ્તગત કરવા કેટલાક તત્વોની પજવણી છે.

કચ્છમાં સંભવિત સર્વાધિક રોજગારી આપતા ઉદ્યોગ પર સરકારની રહેમ નજર રહે અને મદદ મળતી રહે એવી સોલ્ટ ઈન્ડસ્ટ્રીને અપેક્ષા છે. આ વર્ષ કચ્છમાંથી વિદેશમાં અંદાજે 85 લાખ ટન નમક એક્સપોર્ટ થતા 1500 કરોડનું હુંડિયામણ દેશમાં આવ્યું છે. જેથી મીઠા ઉદ્યોગ રોજગારી સાથે અર્થતંત્રને પણ મજબુતી મળી રહી છે, અગરમાલિકો ખર્ચ કરીને પોતાના અગરોની નવી ડીઝાઈનો બનાવી ક્વોલિટીને વધુ બહેતર બનાવવાની પ્રયત્નશીલ બની રહ્યા છે.

નાનું રણ હોય કે દરિયા કિનારો મીઠાના અગરોમાં 90% શ્રમજીવીઓ સ્થાનિકના
વર્ષોથી મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા નીલકંઠ ગૃપના શામજીભાઈ કાનગડે જણાવ્યું કે કચ્છમાં માત્ર બેજ એવા ધંધા છે ખેતી અને મીઠંુ કે જેમાં 90% સ્થાનિકોને રોજગારી પ્રાપ્ત થાય છે. તેમાં અગરીયા, ડ્રાઈવરો, ઈલેક્ટ્રીશનો, સુપરવાઈઝર સહીતનાનો સમાવેશ થાય છે.

કચ્છનું મીઠંુ ભારતદેશના ખુણેખુણા સુધી અને વિદેશમાં પહોંચે છે
કચ્છમાં 18 ફ્રી ફ્લોર આયોડીન ફેક્ટરીઓ છે, જેમાં દર વર્ષે 25 લાખ ટન એક એક કિલોની પેકિંગ કરીને દેશના દરેક શહેરો દરેક વિસ્તાર અને વિદેશમાં મોકલાય છે. આ ફેક્ટરીઓમાં આશરે 9 હજાર જેટલા લોકો કામ કરે છે તેમ કચ્છ સોલ્ટ એસોસિએશનના સૂત્રધારોએ જણાવ્યું હતું.

કચ્છ માટે મીઠંુ આશીર્વાદ સમાન ઃ ઉધોગ અને પર્યટન બન્નેમાં ફળ્યું
કચ્છ માટે મીઠું કુદરતે આપેલા એવા આર્શીવાદ છે એક તરફ આખા દેશના ભોજનને કચ્છનું મીઠુ વધુ સ્વાદિષ્ટ બનાવી રહ્યું છે તો બીજી બાજુ કચ્છના સફેદ રણમાં પથરાયેલું મીઠંુ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.
આંતરિક ટ્રાન્સપોર્ટ ઉધોગને મળ્યો વેગ
કચ્છમાં બે મોટા પોર્ટ હોવાથી દેશભરથી આયાત નિકાસ થતા માલ સામાનની હેરફેર માટે ટ્રાન્સપોર્ટેશન સતત ચાલતું રહે છે, પરંતુ તે સાથે મીઠા ઉદ્યોગથી આંતરિક પરિવહનને પણ સારા સ્તર પર વેગ મળ્યો છે. બહોળી સંખ્યામાં ટ્રકો, ડમ્પર મીઠાના આંતરિક ટ્રાન્સપોર્ટેશન માટે કામ કરી રહ્યા છે. મીઠું પ્રત્યક્ષ અને પરોક્ષ હજારો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે.

ગાંધીધામ-કચ્છના અર્થતંત્રમાં નમક ઉદ્યોગ પ્રાણવાયુ સમાન
કચ્છમાં ભુકંપ બાદ ઉદ્યોગો આવ્યા, વિકસ્યા અને રોજગારીની સંભાવનાઓનો વિકાસ થયો. પરંતુ તે સાથે મહતમ ઉદ્યોગો જે આવ્યા તેના મુખ્ય કેંદ્રો દેશ કે વિદેશમાં બહાર હતા. જેથી જે તે ઉધોગની મુખ્ય કમાણીનો મોટો હિસ્સો બહાર જતો હતો. પરંતુ મીઠા ઉધોગમાં મહતમ ઉધોગોના માલિકો સ્થાનિક હોવાથી એક્સપોર્ટ થકી કરોડોના આંકમાં દેશમાં આવતું હુંડીયામણ અને થતી આવક સ્થાનિક સ્તરેજ રોકાણ કે પરિપત્રિત થતા તેનો લાભ ગાંધીધામ અને આખા કચ્છને મળે છે. રોજગારીની તકો અને રોકાણથી લોકોના હાથમાં રુપીયો આવે છે, જેથી તેની ખરીદશક્તિ વધતા સ્થાનિક બજાર વધુ મજબુત બને છે.

જિલ્લાની અંદર પરીભ્રમીત થતા અર્થતંત્રમાં નાનામાં નાના વ્યક્તિને રોજગારીથી લઈને રીયલ એસ્ટેટના ઉંચકાતા ભાવો સુધી આ ઉધોગની ઉંડી અસર અને તેના લીધે સશક્ત થતો સ્થાનિક માનવી હોવાનો મત વિષયના તજજ્ઞોએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...