ગાંધીધામ સંકુલમાં 5 માર્ગ અકસ્માતમાં 3જીંદગીનો અંત આવ્યો હતો, તો બે ઘટનામાં 3 ને ઇજા પહોંચી હતી , જેમાં કંડલા પોર્ટના બર્થ નંબર-4 પર ચોખાની બોરી લોડિંગ કરતા સમયે ટ્રેઇલર ચાલકે બેદરકારી પૂર્વક રિવર્સ લેતાં જોટા નીચે ચગદાયેલા કામદારનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાની, મચ્છુનગર પુલ નજીક અજાણ્યા વાહન અડફેટે અજ્ઞાત યુવકનું મોત નિપજ્યું હોવાની બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ઘટનામાં પોલીસ જાતે ફરિયાદી બની છે, તો પોર્ટના વેસ્ટ ગેટ-1 પાસે ટ્રક અડફેટે રસ્તો ઓળંગતા રાહદારીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ હતી.
કંડલા પોર્ટની બર્થ પર બપોરે સવા ત્રણ વાગ્યાના અરસામાં બનેલી જીવલેણ ઘટનામાં પ્રાપ્ત વિગતો મુજબ, મેસર્સ મહાકાલી લેબર કોન્ટ્રાક્ટરનો એક 48 વર્ષીય શ્રમિક હુકુમસિંહ કામ કરી રહ્યો હતો તે દરમિયાન ટ્રેઇલર ચાલક અજયકુમારે ટ્રકનો યુ-ટર્ન લેતાં જોટા નીચે શ્રમીક ચગદાયો હોવાને કારણે ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ભાગી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલ મૃતદેહ રામબાગ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયો હોવાનું અને કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ટ્રક ચાલકની બેદરકારીને કારણે બનેલી ઘટનાથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.
બીજી ઘટના દીન દયાળ પોર્ટના વેસ્ટ ગેટ-1 પાસે બની હતી જેમાં કિડાણા રહેતા અને દીન દયાળ પોર્ટના વેસ્ટ ગેટ નંબર-1 પાસે ચામુંડા હોટલ ચલાવતા રાજેશભાઇ ચુનિલાલ કશ્યપે કંડલમા મરિન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત સાંજે પાંચ વાગ્યાના અરસામાં તેમના 53 વર્ષીય પિતા ચુનિલાલ બુધારામ કશ્યપ રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ જઇ રહેલા ટ્રક ચાલકે તેમને અડફેટે લેતાં છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહો઼ચી હતી તેમને સારવાર માટે લઇ જવાયા હતા પણ સારવાર કારગત નિવડે તે પહેલાં તેમણે દમ તોડ્યો હતો.
અકસ્માત સર્જી વાહન મુકી નાશી જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો,ગાંધીધામ થી ભચાઉ તરફ જતા હાઇવે પર મચ્છુનગર પુલ નીચે ઉતરતા હાઇવે પર ગત રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહન અડફેટે 25 થી 30 વર્ષીય લાગતા અજ્ઞાત યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયુભા રમુભા જાડેજા ફરિયાદી બની જણાવ્યું હતું કે આ અજ્ઞાત યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ ગંભીર હાલતમાં ભુજ જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેણે દમ તોડ્યો હતો. વાલી વારસ ન હોવાને કારણે તેમણે અકસ્માત કરી નાશી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. નોંધવું રહ્યું કે, રોજના હજારો ભારે વાહનોની અવર-જવર ધરાવતા પોર્ટ રોડ પર અકસ્માતોની સંખ્યા વધવા પામી છે. પોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર પણ આ એક મોટો સવાલ ઉભો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.