પૂર્વ કચ્છમાં લૂંટારૂ તસ્કરો બેફામ બન્યા છે. દ્વિચક્રી વાહન પર ભુજથી અંજાર જઈ રહેલાં યુવકને બાઈકસવાર ત્રિપુટીએ ભરબપોરે વાહનોથી ધમધમતાં હાઈવે પર આંતરી, ગનના નાળચે રોકડ રૂપિયા, ફોન અને ચેઇન લૂંટી લીધા હોવાનો બનાવ બહાર આવ્યો છે.
નિખિલને લૂંટી આ ત્રિપુટી યુ ટર્ન મારી ભુજ તરફ રવાના થઈ હતી
ગત તારીખ 09/11/2022ના રોજ બનેલા આ બનાવમાં ફરિયાદ નોંધાતા ભારે તર્ક-વિતર્ક વહેતા થયા હતા. અંજારના નવા સુગારીયામાં રહેનારા અને ઓનલાઈન સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કરનારા નિખિલ મ્યાજર ચાવડા (આહિર) ગત તા. 09-11 ના માધાપર આવ્યા હતા. આ ફરિયાદીના પતિ સુચીબેન બિમાર હોવાથી બંને જ્યુપિટર મોપેડ પર ભુજ દવા લેવા આવ્યા હતા. ત્યાંથી પરત માધાપર આવી ફરિયાદી પોતાના ઘરે સુગારીયા જવા નિકળ્યો હતો. બપોરે બે વાગ્યાના અરસામાં રતનાલ નજીક અચાનક પાછળથી મોટર સાયકલ પર આવેલી ત્રિપુટીએ તેને ઓવરટેક કરીને ઈશારા વડે મોપેડનું ટાયર જોવા સૂચવેલું. જેથી નિખિલે ટાયર ચેક કરવા મોપેડ ઊભું રાખ્યું હતું. તે ટાયર ચેક કરતો હતો ત્યારે એક યુવકે પાસે આવીને ગળામાં પહેરેલી 16 હજારના મૂલ્યની સોનાની ચેઇન બળજબરી પૂર્વક ખેંચીને કાઢી લીધી હતી. બીજાએ તેને ગન જેવું હથિયાર બતાડી ખિસ્સામાં રહેલું પર્સ અને મોબાઈલ ફોન આપી દેવા ધમકી આપી હતી. ગભરાઈ ગયેલાં નિખિલે 10 હજાર રૂપિયા ભરેલું પર્સ અને 10 હજારના મૂલ્યનો મોબાઈલ ફોન તેમને આપી દીધા હતા. નિખિલને લૂંટીને આ ત્રિપુટી યુ ટર્ન મારીને ભુજ તરફ રવાના થઈ ગઈ હતી.
આવા તત્વો ક્યારે અંકુશમાં આવશે?
જતાં જતાં તેમણે નિખિલને બૂમો નહીં પાડવા જણાવ્યું હતું. ગભરાઈ ગયેલો નિખિલ ઘટનાની થોડીકવાર બાદ આરોપીઓની પાછળ પાછળ ગયો હતો પરંતુ તેઓ નાસી છૂટ્યાં હતા. ફરિયાદીએ જણાવ્યું કે, ત્રણેય યુવકો અંદાજે 25થી 30 વર્ષની વયના હતા. મોટર સાયકલના નંબર તેને યાદ નથી. ધમધમતા માર્ગ ઉપર ભર બપોરે લૂંટના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. ત્યારે આવા તત્વો ક્યારે અંકુશમાં આવશે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.