પૈસા પરત માંગતા ધમકી:ગાંધીધામમાં એક વકીલે 10 લાખ રૂપિયા ઉછીના લઈ પરત ન આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના એક વકીલે 10 લાખ રૂપિયા ઉછીના મેળવી, એક વર્ષમાં પાછાં આપવા બાંહેધરી આપવા છતાં છ-છ વર્ષથી નાણાં પરત કરતો ન હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. હાલ મુંદરામાં રહેતી આધેડ મહિલાએ વકીલ વિરુધ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાત અને ધાક-ધમકીની ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ શહેરની એક કચેરીમાં નોકરી કરતાં શખ્સની પ્રથમ પત્નીને સંતાન ન થતું હોવાથી તેમની પત્નીની સંમતિ સાથે તેમણે ફરિયાદી સાથે ઘરઘરણું કર્યું હતું. ફરિયાદી અને તેની પત્ની બેઉ ગાંધીધામમાં એક જ છત નીચે સાથે રહેતી હતી. 2013માં પતિનું શારીરિક બીમારીથી નિધન થયું હતું. તેમની નિવૃત્ત બાદ મળેલી રકમમાંથી પત્નીએ 2016માં વકીલને એક વર્ષની મુદ્દતમાં પાછાં આપી દેવાની શરતે 10 લાખ રૂપિયા હાથઉછીના આપ્યાં હતા. જે અંગે તેમણે નોટરી પાસે સ્ટેમ્પ પેપર પર લખાણ પણ મેળવ્યું હતું.

વકીલે નાણાં પરત આપ્યાં નહોતાં અને લખી આપેલો 10 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો હતો. દરમિયાન 2019માં પત્નીનું પણ નિધન થઈ ગયું હતું. પત્નીના નિધન બાદ પોતે જ હવે વારસદાર હોવાનું જણાવી ફરિયાદીએ વકીલ પાસે નાણાંની ઉઘરાણી કરવાનું શરૂ કરેલું. પરંતુ આરોપી પોતે વકીલ હોવાનું જણાવી હાઈકોર્ટ સુધી જોઈ લેવા ધમકી આપી નાણાં આપતો નથી. અગાઉ તેમણે પોલીસ ફરિયાદની તજવીજ કરતાં આરોપીએ ટૂકડે ટૂકડે નાણાં પાછાં આપવા વાયદો કર્યો હતો. પરંતુ આજ દિવસ સુધી વકીલે નાણાં પરત આપ્યાં નથી. જેના લીધે વકીલ વિરુધ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાત અને ધાક-ધમકીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...