પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાપરના નલિયા ટીંબાના 3, કિડીયાનગરનો એક અને અંજારના મોટી ખેડોઇના બે મળી કુલ 6 બુટલેગરોને એક સાથે પાસા હેઠળ જુદી જુદી જેલ હવાલે કર્યા હતા. એક સાથે છ જણાને પાસામાં ધકેલાયા હોવાની પૂર્વ કચ્છની સંભવત: આ પ્રથમ ઘટના છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ દારૂની અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ દારૂના મોટા જથ્થા પકડાયા હોય તેવા બુટલેગરોની પાસાની દરખાસ્ત તૈયાર કરી કચ્છ કલેક્ટરને મોકલાઇ હતી.
આ દરખાસ્ત કલેક્ટર દિલીપ રાણાએ મંજુર કરી પાસા વોરંટો ઇશ્યુ કરતાં અંજારના મોટી ખેડોઇના જગતસિંહ આશુભા જાડેજાને લાજપોર જેલ સુરત, મોટી ખેડોઇના જ પ્રવિણસિંહ દોલુભા જાડેજાને ભાવનગર મધ્યસ્થ જેલ, રાપરના કિડીયાનગરના રમેશસિંહ ઉર્ફે રમેશ વેલાભાઇ ઝાલાને લાજપોર જેલ સુરત, રાપરના નલિયા ટીંબાના નટવર અજાભાઇ ગોહિલને વડોદરા મધ્યસ્થ જેલ, નલિયા ટીંબાના પ્રવિણ બાબુભાઇ મકવાણાને અમદાવાદ મધ્યસ્થ જેલ તથા નલિયા ટીંબાના જ ઘનશ્યામ કુંભાભાઇ ઝાલાને ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કરાયા હતા. આ કામગીરીમાં એલસીબી પીઆઇ જાડેજા સાથે પીએસઆઇ એસ.એસ.વરૂ,વી.આર.પટેલ, અંજાર પીઆઇ એસ.ડી.સિસોદિયા , ગાગોદર અને આડેસર પોલીસ મથકની ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.