મારી નાખવાની ધમકી:ભચાઉમાં 9 હથિયારધારી ઇસમો યુવાન પર તૂટી પડ્યા

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉની કસ્ટમ ચોકડી પાસે ગત મધરાત્રે સ્કોર્પિયો અને કારમાં ધારીયા, પાઇપ અને લાકડીઓ સાથે આવેલા 9 ઇસમોએ યુવાન ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા ઉપરાંત ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

ભચાઉના બટિયા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય હુશેનશા ભચલશા શેખ ગત રાત્રે અનવર મામદ ઘાંચીને બસ સ્ટેશન મુકવા ગયો હતો પણ બસ ન મળતાં, રસ્તામાં પગપાળા જતા પિતા ભચલશા અમીલશા શેખ મળી જતાં તેમને બેસાડી પરત ઘરે ફરી રહ્યા હતા. તેઓ રાત્રે 12:30 વાગ્યાના અરસામાં કસ્ટમ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે આગળથી સ્કોર્પિયો અને પાછળ બીજી કાર આવી જતાં તેઓ કાર રોકી બહાર આવ્યા તો બન્ને ગાડીઓમાંથી ધારીયું, પાઇપ અને લાકડીઓ સાથે રસુલશા ભાકરશા શેખ, શબીર ભાકરશા શેખ, અલતાપશા ભાકરશા શેખ, કાસમશા ભાકરશા શેખ, ઓસમાણશા સલીમશા, હાજીશા સલીમશા, હશનશા અલીશા શેખ, જાશીનશા હનિફશા શેખ અને મામદશા જમનશા શેખ તેમના ઉપર તૂટી પડ્યા હતા.

જેમાં તેમને માથામાં અને કપાળમાં ગંભીર ઇજાઓ પહો઼ચી હતી. તેમના પિતા અને અનવરે તેમને છોડાવ્યા હતા. જતાં જતાં એ નવ જણા મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. ગંભીર ઇજાને કારણે પ્રથમ ભચાઉ સારવાર અપાયા બાદ તેમને ભુજ રીફર કરાયા હતા. અગાઉની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. ભચાઉ પોલીસે નવ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...