તપાસ:અંજારમાં ઘર પાસે પડેલી કાર સહિત 3 વાહન કોઇ સળગાવી ગયું

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે અઢી વાગ્યે બનેલી ઘટનામાં વાહનો પાસેથી પેટ્રોલની બોટલ મળી આવી

અંજારની ચિત્રકૂટ સોસાયટી-1 માં મધરાત્રે અઢી વાગ્યે ઘરના આંગણામા઼ રાખેલા બે ટુવ્હીલર અને બહાર પાર્ક કરેલી કાર ઉપર પેટ્રોલ છાંટી સળગાવી ગયું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ચિત્રકૂટ સોસાયટી-1 માં રહેતા અને ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય રાજેશકુમાર મધુસૂદન દવેએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે તેમનો પરિવાર જમીને સૂઇ ગયા બાદ મધરાત્રે અઢી વાગ્યે સોસાયટીના રહેવાસીઓની બૂમો સાંભળી તેઓ ઘરની બહાર નીકળ્યા તો આંગણામા઼ રાખેલી બાઇક અને મોપેડ તેમજ બહાર પાર્ક કરેલી કારમાં આગ લાગેલી હતી.

પાણીની મોટરથી ડાયરેક્ટ પાણી છોડી આડોશ પાડોશની મદદથી આગ કાબુમાં લીધા બાદ કાર નજીક પ્લાસ્ટિકની બે બોટલ મળી આવી હતી જેમાં એક અડધી બોટલ ભરેલી અને એક ખાલી હતી અને પેટ્રોલની ગંધ આવતી હતી. એક માચિસ પણ મળી આવ્યું હતું. તેમણે અંજાર પોલીસ મથકે કોઇ અજાણ્યો ઇસમ તેમના ત્રણ વાહનોમાં આગ ચાંપી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. અંજાર પોલીસે તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...