ગાંધીધામમાં ખુની ખેલ ખેલાયો:શિણાયમાં આડા સબંધની અદાવતમાં સમાધાન માટે બોલાવી યુવાનનું ખૂન કરાયું

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીએલની પરિક્ષા આપવા વતન જતા મૃતકને મોટા ભાઇએ રોક્યો છતાં ગયો
  • પાવડાના હાથા વડે ઢીમ ઢાળી નાખનાર દંપતિને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા

આદિપુર નજીક શિણાયમાં આડા સબંધ મુદ્દે પાંચ-છ દિવસ પહેલાં થયેલી બબાલ બાદ યુવકને સમાધાન માટે બોલાવી દંપતિએ પાવડાના હાથા જેવા હથિયારથી ઘાતકી હત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી હતી. શિણાય ખાતે દેના ગ્રામિણ બેંક પાસે રહેતા મુળ ગોંડલના પાટછદડ ગામના 32 વર્ષીય મયુરભાઇ રમણિકભાઇ કાછડે આદિપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગુરૂવારે સાંજે તેઓ આદિપુર ઓફિસે પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન તેમના નાના ભાઇ અંકિતે ફોન કરી ઓફિસે મળવા ગયો હતો અને પોતાને પીજીવીસીએલની પરિક્ષા હોવાથી વતન જવાનું છે પણ પાંચ-6 દિવસ પહેલાં નજીક રહેતા ભાવેશ ધનજી વાણીયા અને તેની પત્ની સંગીતા જોડે તેની બોલાચાલી થયેલી.આ માથાકૂટ મામલે સમાધાન કરવા મળવા બોલાવ્યો છે તેમને મળી વતન જવા નિકળીશ કહેતાં મયુરભાઇએ અંકિતને જવાની જરૂર નથી કહ્યું હતું.

પણ અંકિત જવાબ આપ્યા વગર નિકળી ગયા બાદ મોડી રાત્રે દસ વાગ્યે મોટા ભાઈ મયૂરનો પરિવાર સૂવાની તૈયારી કરતો હતો ત્યારે પોલીસે તેમને અંકિતની હત્યા થઈ ગઈ હોવાની જાણ કરી રામબાગ હોસ્પિટલે બોલાવ્યા હતા. ભાવેશ અને સંગીતાના વાડામાંથી અંકિતનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક
મૃતક

આ દંપતીએ કાવતરું રચીને અંકિતને સમાધાનના બહાને બોલાવી તેના માથા, પગમાં હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાની મયૂરે વિરુધ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ઘટનાના પગલે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ દોડી જઈ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી દંપતીની અટક કરી લીધી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સંગીતા સાથેના કથિત આડા સંબંધો મામલે થોડાં દિવસ અગાઉ માથાકૂટ થઈ હતી. જે મામલે દંપતીએ તેને પોતાના વાડામાં બોલાવી પાવડાના હાથા વડે ફટકાં મારતાં ગંભીર ઈજાઓથી અંકિતનું મોત નીપજ્યું હતું.

પડાણામાં યુવાનના મોતના 28 દિવસ બાદ હત્યાની શંકાથી મૃતદેહ FSLમાં મુકાયો
પડાણામાં રહેતા પપ્પુ ભીલનું તા. 13/10ના મૃત્યુ થયું હતું. તે તથા તેની ફઈનો દીકરો પોપટ બીજલ ભીલ તથા અન્ય એક યુવાન પડાણાના તળાવમાં માછીમારી કરવા ગયા બાદ બીજા દિવસે તળાવથી થોડે આગળ તેની લાશ મળી આવી હતી. જે-તે વખતે આ બનાવ અંગે કોઈ જાહેરાત કરાઈ નહોતી તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આ યુવાનની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. બાદમાં આ પ્રકરણમાં લાભુબેન વિક્રમ ભીલે હત્યાની આશંકા દર્શાવતાં અંજાર પ્રાંત અધિકારી દેસાઈ, ગાંધીધામ મામલતદાર ભગીરથસિંહ રાણા, નાયબ પોલીસવડાની સાથે પડાણા ગામ પહોંચી હતભાગીનો મૃતદેહ બહાર કાઢી એફએસએલ માટે મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...