કાર્યવાહી:જવાહરનગરના મર્ડર બાદ ભાડૂતના પુરાવા જમા ન કરાવતા માલિકો સામે એક્શન મોડમાં

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છ બાદ હવે ગાંધીધામમાં બી-રોલ ન ભરનાર મકાન માલિકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી
  • બહારના રાજ્યમાંથી આવતા ભાડુઆતની માહિતી ન આપનાર સામે સતત કાર્યવાહી કરાશે - પીઆઇ

ઔદ્યોગિક નગરીમાં ભારતભરમાંથી ધંધા રોજગારી માટે લોકો આવીને વસવાટ કરે છે, સામે બહારથી આવતા અમુક લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે અને એવા અનેક દાખલા સામે પણ આવી ગયા જેમાં ચોરી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓમાં આવા લોકોના આધાર પુરાવા ન હોતાં પકડી શકાતા નથી બી-રોલ ભરવાનું જાહેરનામું બહાર પડાયું હોવા છતાં લોકો નજર અંદાજ કરતા હોવાની રાવ વધી હતી તે ધ્યાને રાખી પોલીસે હવે આવા મકાન માલિકો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.

એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન જવાહરનગર હાઇવે રોડ મીઠીરોહર સીમના સર્વે નંબર 225/226 માં આવેલા ઝૂંપડાઓમાં ચેક કરતાં બહારના રાજ્યોમાંથી આવી અહીં ભાડૂઆત તરીકે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. થોડા દિવસો પહેલાં જ અહીં મર્ડર જેવા ગુના નોંધાયા હોઇ આ ઝૂંપડા ભાડે આપનાર મકાન માલિક મોરબીના વીરજીભાઇ મોમાયાભાઇ કોલીને પોલીસમાં ભાડૂતના આધાર પુરાવા જમા કરાવ્યા હોવા બાબતે પૂછતાં તેણે જમા ન કરાવ્યા હોવાનું જણાવતાં તેના વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

પીઆઇ એ.બી.પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાની સૂચના મુજબ હવે આ કામગીરી પોલીસ દ્વારા સતત કરવામાં આવશે, જો કોઇ મકાન માલિકે આધાર પુરાવા જમા ન કરાવ્યા હોય તો કરાવી લેવા અપીલ પણ કરી હતી.

જવાહરનગર ખૂનના બનાવમાં મકાન માલિક પાસે કોઇ માહિતી નહીં
થોડા દિવસ પહેલાં જ જવાહરનગરમાં ઉપરના માળા પર રહેતા પરપ્રાંતિય ભાડૂત દંપતિ વચ્ચે બોલાચાલી બાદ પત્ની બીજા દિવસથી ભેદી રીતે ગૂમ થઇ અને ત્રીજા દિવસે પતિનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો આ ઘટનામાં મકાન ભાડે આપનાર મકાન માલિક પાસે ભાડૂઆતની કોઇ વિગતો ઉપલબ્ધ ન હોવાનું તપાસ કરી રહેલા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ફોટોગ્રાફીની દુકાનોમાં ચોરી કરનાર 2 તસ્કરેએ સુંદરપુરીમાં મકાન ભાડે રાખ્યું હતું
બે દિવસ પહેલાં એ-ડિવિઝન પોલીસે અમદાવાદ, ભુજ અને ગાંધીધામ ખાતે ફોટોગ્રાફીની દુકાનમાં ચોરી કરનાર બે ઇસમોને સુંદરપુરીમાંથી પકડી લઇ રાજ્ય વ્યાપી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. આ ચોરીઓને અંજામ આપનાર આ બે રાજસ્થાની તસ્કરોને ચોરી કરવાના ઓજારો સાથે પકડ્યા બાદ આ બન્ને જણાએ સુંદરપુરી ખાતે મકાન ભાડે રાખ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...