શિણાયમાં વર્ષ-1996 માં એટલે કે 27 વર્ષ પહેલાં ફાયરીંગ સાથેની લૂટના બનાવમાં આરોપીને ગાંધીધામના અધીક ચિફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટે 7 વર્ષની સખત કેદની સજા ફટકારી તેમજ રૂ.21,000 દંડનો આદેશ કરી ધાક બેસાડતો ચૂકાદો સંભળાવ્યો હતો, પરંતુ સજા સાંભળતાં જ આરોપી વકીલને મળીને આવું કહી કોર્ટમાંથી ભાગી ગયો હતો. કોર્ટે આ આરોપીને પકડવા વોરંટ ઇશ્યુ કર્યો છે.
આ કેની વિગતો એવી છે કે, તા.23 માર્ચ 1996 ના રોજ રાત્રે 11:30 વાગ્યે ચાર આરોપીઓએ એક સંપ કરી સ્કુટર પર જઇ રહેલા ભુરાભાઇ આહિર અને દમયંતિબેન ચતુરસિંહ ખારવાને શિણાય આદિપુર વચ્ચે રોકી છરી,લાકડી અને પાઇપ વડે માર મારી સોનાની ચેન, સોનાની રીંગો, ભુરાભાઇ પાસેથી રોકડા રૂ.200 અને સ્કુટરની લૂંટ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે શિણાય વાડી વિસ્તારમાં ફરીયાદી ખીમજીભાઇ અભુભાઇ સોરઠીયાની વાડીમાં જઇ તેમના પરિવારને લાકડી અને પાઇપ વડે મારી મારી તેમજ તમંચા વડે ફાયરિંગ કરી સોનાની બે કડી , સોનાની ચેન, રોકડની લૂંટ કરી કુલ રૂ.41,000 ની લુંટ કરી હતી.
આ કેસમાં અગાઉ ત્રણ આરોપીને કોર્ટે નિર્દોષ ઠેરવ્યાં હતા. આજે આ કેસની સુનાવણીમાં 30 સાક્ષી 12 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ એડિશનલ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કુ.હેમલતા દાઉજી પંડિતે ચોથા આરોપી ઈસ્માઈલ મીઠુ કોલીને કસૂરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા ફટકારી રૂ.21,000 દંડ ચુકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ હિતેશભાઇ ચૌધરીએ દલીલો કરી હતી.
આ સજા સાંભળતાં જ ભુજનો ઇસ્માઇલ સિફત પુર્વક કોર્ટમાંથી સરકી ગયો હતો. બપોરે દોઢ-બે વાગ્યાના અરસામાં બનેલાં બનાવ અંગે આદિપુર પોલીસને જાણ કરાતાં પોલીસે તત્કાળ દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી. આ ઘટના બાદ કોર્ટે ઈસ્માઈલ વિરુધ્ધ પકડ વૉરન્ટ જારી કર્યું છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે ઈસ્માઈલને તાકીદે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.