વીઆઈપી કલ્ચર હજુ જીવે છે:રોક શકો તો રોક લો - સતાપક્ષના નગરસેવકોની કાર રોડ પર બિન્ધાસ્ત ઉભી રહેશે અને ટ્રાફિક રોકશે!

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય માર્કેટમાં નગરસેવકની અને કાર્યાલય સામે પદાધિકારીની કારો રોડ પરજ થાય છે પાર્ક
  • ‘અમને કોણ કહેશે?’ ની વિચારધારાએ સામાન્ય લોકોની સમસ્યા વધારી, ડોક્ટર દંપતી સહિત ઘણા જાગૃત નાગરિકો થઈ રહ્યા છે હેરાન

ગાંધીધામમાં ટ્રાફિક, પાર્કિંગ સેન્સને વધુ વિકસીત કરવાની જરૂર હોવાની ઉઠતી ચર્ચા વચ્ચે જે ખુદ સતાપક્ષના ચુંટેલા જનપ્રતિનીધીઓ અને પદાધિકારીઓની કારજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતી નજરે ચડે તો તે માટે શું કહી શકાય તે પોતે યક્ષપ્રશ્ન છે. ગાંધીધામના તબીબના પત્નીએ આ માટે શહેરની મુખ્ય બજારમાં તો બેંકિગ સર્કલ પાસે રોજ બરોજમાં સ્થાનિકો સતાપક્ષના કાર્યાલય પાસે આ પ્રકારની સમસ્યાનો સામનો કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

વીઆઈપી કલ્ચર એટલે કે ‘અમે છીએ વીઆઈપી’ અમને કોણ રોકશે કે કહેવાની હિંમત કરશે? આ પ્રકારના વિચારધારા તળે કારની આગળ પાટીયા લગાવીને રોડ પરજ કે ગમે ત્યાં આડેધડ કાર રાખી દેવાની જુની પ્રથા હજી પણ ચાલુ છે. દેશના પ્રધાનમંત્રીએ વર્ષો પહેલા આ સંસ્કૃતિને તિરાંજલી આપવા માટે લાલબતીને નાબુદ કરી હતી, પરંતુ તે છતાં આજે પણ પાટીયાના હસ્તક આ કલ્ચર જીવંત રહ્યું હોવાનું પ્રતિત ગાંધીધામમાં કરી શકાય છે.

આવોજ એક કડવો અનુભવ ગાંધીધામના તબીબ ડો. સુનિલ મસંદના પરિવારને થયો હતો, ગુરુવારે તેમના પત્ની માર્કેટમાં કામસર ગયા અને નિયમાનુસાર પાર્કિંગ કર્યુ હતું, પરંતુ તેની આગળ રોડ પરજ ‘ગાંધીધામ નગરપાલિકા સભ્ય’ લખેલા પાટીયા સાથેની કારે પાર્ક કરી દેતા તેવો અંદાજે 20 થી વધુ મીનીટ સુધી પરેશાન થયા હતા અને પોતાના વાહનને બ્લોક થતા બહાર કાઢી નહતા શક્યા. ડો. મસંદે જણાવ્યું કે આ તેમનો પહેલો અનુભવ નથી. આ અગાઉ પણ શહેરમાં વારંવાર આ પ્રકારના અનુભવોનો સામનો તેમને કરવો પડે છે, તેમનો ઉદેશ્ય કોઇ વ્યક્તિ વિરુદ્ધ નહિ પરંતુ આ ગમે ત્યાં પાર્કિંગ કરતા ચલાવી લેવાશે તે વિચારધારા સામે હોવાનું ઉમેર્યુ હતું. નોંધવુ રહ્યું કે ગાંધીધામમાં સતાપક્ષનું કાર્યાલય જ્યાં આવેલું છે તે બેકિંગ સર્કલ નજીકના વિસ્તારમાં પણ રોજ આજ પ્રકારે કારને રોડ પાર્ક કરી દેવાતી હોવાથી ટ્રાફિક બાધીત થતો હોવાની ફરિયાદો ઉઠી ચુકી છે.

‘કસ્ટમ’ ના પાટીયા ઝુલાવતી કારોમાંથી કેટલી ખરેખર વિભાગની? તપાસ જરૂરી
અગાઉ ‘કસ્ટમ’ ના પાટીયાઓ કાર આગળ ધરીને ફરતી અઢળક કારો ગાંધીધામ અને કચ્છભરમાં જોવા મળતી હતી. દિવ્ય ભાસ્કરે વારંવાર આ મુદો ઉઠાવતા આ સંખ્યામાં ઘટાડો જરૂર જોવા મળ્યો છે પરંતુ હજુ પણ મોટા ઉપાડે કસ્ટમ લખેલી ફરતી કારોની તપાસ થવી જરૂરી હોવાનો મત પ્રવર્તવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...