કચ્છમાં માર્ગોને નવીનીકરણ સાથે પહોળા કરી રૂપાંતરિત થવાની કાર્યવાહી આરંભાઇ રહી છે ત્યારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આદિપુર-મુન્દ્રા માર્ગને ફોરલેન કરી તેનું રીસરફેસીંગ કરવાની રજુઆત ગુજરાતના માર્ગ, મકાન અને વાહન વ્યવહાર મંત્રી પુર્ણશ મોદી સમક્ષ પત્ર પાઠવીને કરાઇ હતી.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઇ કાનગડ જણાવે છે કે, કચ્છમાં 2001 ના ધરતીકંપ બાદ અનેક નવા ઉદ્યોગો સ્થાપિત થયા છે અને પ્રવાસન નીતિને વેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે, ત્યારે દેશના બે મહાબંદરો કંડલા અને મુન્દ્રાને સંકુલના જોડિયા શહેર ગાંધીધામ તથા આદિપુરથી જોડતા મુન્દ્રા તરફના રસ્તાનું નવીનીકરણ કરી ફોરલેન બનાવવામાં આવે એ સમયની માંગ છે. આ રોડ પર જૈનોનું પ્રસિધ્ધ તીર્થધામ ભદ્રેશ્વર તથા પ્રવાસન સ્થળો આવેલા હોવાથી તે સ્થળોનો પણ ફોર લેન થાય તો વિકાસ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.
આ બાબતે વિસ્તૃત માહિતી આપતાં ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું કે રોડ, બિડીંગ, ટ્રાન્સપોર્ટ, સીવીલ એવીએશન અને ટુરીઝમના મંત્રી મોદીને સંબોધીને લખાયેલ પત્રમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, મુંદ્રા-ગાંધીધામના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા તથા માલતીબેન મહેશ્વરીને પણ જાણ કરી સરકાર દ્વારા સત્વરે આ રોડની કાર્યવાહી હાથ ધરાય તે અંગે વિગતવાર અનુરોધ કરાયો છે.
આ રોડ પર મોટા ઉદ્યોગગૃહો આવેલા હોઇ તેમજ સૂચિત હટડી જીઆઇડીસીની શક્યતાઓ જોતાં ફોરલેન બનાવવો અતિ આવશ્યક બન્યો છે. કંડલા-મુન્દ્રા બે મહાબંદરો પરથી મોટા વાહનોની આવન-જાવનને કારણે તથા પ્રવાસીઓ અને લાગુ ગામો પરથી મુખ્ય માર્ગો પર આવતા વાહનોને કારણે રોડ ફોર લેન ન હોતાં અનેક સમસ્યા સર્જાતી હોઇ, વહેલી તકે સૂચિત રોડનું વાઇડનીંગ તથા રીસર્ફેસીંગ થયેથી તેની સાથે સંકળાયેલા તમામ રાહતની લાગણી અનુભવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.