ઓનલાઇન ગુમાવેલા રૂપિયા પોલીસે પરત અપાવ્યા:‘તમારા ઘરે પુત્ર જન્મ્યો છે સરકાર તરફથી ઇનામ મળશે’ કહી વેપારીને છેતર્યો

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 બનાવમાં ઓનલાઇન ગુમાવેલા રૂ.48 હજાર પોલીસે પરત અપાવ્યા
  • આનો મતલબ એ છે કે આટલી અપીલો છતાં લોકો ઓનલાઇન ચિટરો પાસે છેતરાય છે

આદિપુરના વેપારીને અજાણ્યા નંબરથી આવેલા ફોનમાં તમારા ઘરે દિકરો આવ્યો છે એટલે સરકાર તરફથી તમને રૂ.6 હજાર મળવા પાત્ર છે જણાવી તેમના ખાતામાંથી ઓનલાઇન ચીટરે રકમ ઉપાડી લીધી હોવાના બનાવ સહિત કુલ 3 બનાવમાં ઓનલાઇન ગુમાવેલા રૂ.48 હજાર પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવ્યા હતા. રોજિંદા બની રહેલા આવા બનાવથી એટલું ચોક્કસ છે કે આટલી અપીલો છતાં લોકો ચિટરોની વાતમાં આવી છેતરાઇ રહ્યા છે.

પીઆઇ એ.એમ.વાળાએ જણાવ્યું હતું કે, આદિપુર રહેતા રોહિતભાઇ પ્રવિણભાઇ પરમાર પોતાની દુકાને હતા ત્યારે અજાણ્યા ઇસમે ફોન કરી કહ્યું હતું કે, તમારા ઘરે પુત્ર જન્મ થયો છે જેથી સરકાર તરફથી રૂ.6,000 તમને મળવા પાત્ર છે આ પૈસા મેળવવા ક્યુઆર કોડ મુકતાં જ તેમના ખાતામાંથી રૂ.6,000 કપાઇ ગયા હતા અને પોતે ઓનલાઇન ચિટિંગનો ભોગ બન્યા હોવાનો ખ્યાલ આવ્યો હતો. તો આ જ વેપારીએ ફેસબુકમાં રૂ.99 માં એરબડ ખરીદવાની લિન્ક ખોલી પોતાની તમામ વિગતો આપતાં જ તેમના ખાતામાંથી રૂ.19,988 કપાઇ ગયા હતા. સાયબર ક્રાઇમ પોલીસે સતર્કતા દાખવી તેમણે ગુમાવેલા 6 હજાર અને 19,988 પરત અપાવ્યા હતા.

તો ગાંધીધામના ખેમારામ નગારામ ચૌધરીને અજાણ્યમા ઇસમે એક્સિસ બેંકના કર્મીની ઓળખ આપી તમારી ક્રેડિટ કાર્ડની લીમિટ વધારવી હોય તો ટીમ વ્યુવર એપ ડાઉનલોડ કરાવડાવી ઓટીપી આપતાં જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.22,623 કપાઇ ગયા હતા.તેમણે સાયબર ક્રાઇમ પોલીસને ાણ કરતાં પોલીસે તેમણે ગુમાવેલી રકમમાંથી 22 હજાર પરત અપાવી દીધા હતા. આ કામગીરીમાં પીઆઇ સાથે હેડકોન્સ્ટેબલ ગોપાલભાઇ, દિવ્યરાજસિંહ, કોન્સ્ટેલ અનિલભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

મહેરબાની કરીને ક્યુઆર કોડ કે બેંકની વિગતો અજાણ્યાને ન આપો : પોલીસ
ઓનલાઇન છેતરપિંડીના વધી રહેલા બનાવોમાં મોટા ભાગે બેંક ડિટેઇલ અજાણ્યા ઇસમોને આપી દેવાતા હોવાને કારણે બનતા હોય છે, તો અમુક કિસ્સામાં લોકો ફોન કે ગુગલ પેનો ક્યુઆર કોડ આપી દેતા હોય છે જેના કારણે તેઓ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. સાયબર ક્રાઇમ પોલીસે ભાર દઇને લોકોને અપીલ કરી છે કે મહેરબાની કરીને ક્યુઆર કોડ, કે બેંકની વિગતો અજાણ્યાને ન આપો.

અન્ય સમાચારો પણ છે...