બેઝઓઈલના વેંચાણ અને ઉપયોગ બાદ તેના પર આઈટીસી મામલે ગેરરીતી આચરાઈ હોવાનું સામે આવતા સેન્ટ્રલ જીએસટી દ્વારા ગત થોડા મહિનાથી મોટા પાયે બેઝઓઈલ ઉપયોગ કર્તાઓ પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. સુત્રોએ જણાવ્યું કે સા સીલસીલો સતત આગળ વધી રહ્યો છે અને તાજેતરમાં વધુ બે સ્થળોએ સ્થળે સંલગ્ન તપાસ હાથ ધરવામાં આવી હતી.
આધારભુત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી દ્વારા અત્યાર સુધીમાં આ દિશામાં કરાયેલી તપાસ સંદર્ભે 50 કરોડ જેટલાનું ડિટેક્શન ખુલી ચુક્યુ છે તો તેની સામે 7 કરોડ જેટલાની રીકવરી પણ કરવામાં આવી ચુકી છે. દરમ્યાન હાલમાં ચાલી રહેલી તપાસો સંદર્ભે સમન્સ બજવણી અને કાર્યવાહીનો દોર પણ ચાલી રહ્યો છે.
જેનો વ્યાપ મુખ્યત્વે ગાંધીધામ, આદિપુર, મેઘપર, ભચાઉ, સામખિયાળી તેમજ ભુજ હોવાનું જાણવા મળે છે. કઈ કઈ પેઢીઓ પર કાર્યવાહી થઈ છે તે અંગે વિભાગ દ્વારા હજી કામગીરી ચાલુ હોવાનું કારણ આગળ ધરીને મગનું નામ મરી નથી પડાઈ રહ્યું, પરંતુ અગાઉ વ્યક્ત થઈ ચુકેલી સંભાવના અનુસાર ડિટેક્શનનો આંકડો ઘણો વધારે સામે આવી શકે છે.
નોંધવું રહ્યું કે, પાંચ મહિના પહેલા બેઝ ઓઇલના ઉપયોગ કર્તાઓની ઓળખ કરી તેમના પર હાથ ધરાયેલી કાર્યવાહીમાં એક બાદ એક સરકારની તિજોરીમાં મોટી આવક થઇ રહી છે. અગાઉ ખુલ્લેઆમ વેચાતા અને ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગમાં લેવાતા આ ઓઇલ પર પોલીસ વિભાગે તવાઇ બોલાવી હતી. હવે જીએસટી વિભાગ દ્વારા મોટા પાયે કામગીરીને અંજામ અપાઇ રહ્યો છે.
પ્રમાણ ઘટ્યુ પણ અંગત ઉપયોગની ચર્ચા
બેઝ ઓઇલ પર અગાઉના અનુપાતમાં ઉપયોગ મોટા પ્રમાણમાં ઘટી ગયો હોવાનું પેટ્રોલ પંપો પર વધી ગયેલા વેંચાણથી અંદાજ લગાવ શકાય છે, પરંતુ મોટા પ્લેયર્સ હજી પણ પોતાના ઉપયોગ માટે વ્યવસ્થા કરતા હોવાની ચર્ચા લોકમુખે ઉઠતી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.