અંજારના વરસામેડી સીમમાં એક્ટિવા અને કાર અથડાયા બાદ બે જુથ તલવાર, છરી અને ધોકા જેવા ઘાતક હથિયાર વડે બાખડ્યા હતા જેમાં પાંચ ઇજાગ્રસ્ત થયા હતા તો બન્ને પક્ષે નોંધાવેલી સામસામી ફરીયાદના આધારે 15 સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
ગળપાદર રહેતા 20 વર્ષીય ધ્રુવગીરી ઉર્ફે પ્રિન્સગીરી નરેન્દ્રગીરી ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.13/3 ના રાત્રે 11 વાગ્યે તેઓ પોતાના મિત્રો અરબાઝશા અને રાહુલ ચૌહાણ સાથે ગળપાદરથી વરસામેડીની અંબાજીનગર-1 સોસાયટીમાં રહેતા લેબરોના રૂમ તરફ કાર લઇને જઇ રહ્યા હતા. અંબાજીનગર-1 ના ગેટ પાસે પહોંચ્યા ત્યારે તેમની કાર અને એક્ટીવા ટકરાતાં તેમણે એક્ટિવા શાંતિથી ચલાવવાનું કહ્યું તો એક્ટીવા પર સવાર મેહુલ બારોટ, નિખિલ બારોટ અને હેમંત બારોટે તેમની સાથે ઝપાઝપી શરૂ કરતાં તેમણે કાર આગળ ધપાવી હતી પરંતુ આ ત્રણે જણાએ પથ્થર મારી કારનો કાચ તોડતાં તેઓ નીચે ઉતર્યા હતા ત્યારે આ ત્રણે ઉપરાંત અજાણ્યા બે ઇસમો તેમની સામે આવ્યા હતા જેમાં મેહુલના હાથમાં છરી હતી.
તેણે તેમના મિત્ર રાહુલને મારી પેટના ભાગે, પાછળના ભાગે અને પગમાં ઇજા પહોંચાડી હતી, નિખિલ અને હેમંતે ધોકા વડે તેમને અને મિત્ર અરબાઝને ઇજા પહોંચાડી હતી તો અજાણ્યા ઇસમોએ ધક બુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.
સામે પક્ષે અમૃતભાઇ વજાભાઇ બારોટે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, આરોપી પ્રીન્સ ગોસ્વામી, કુશાલ ગોસ્વામી રાહુલ ચૌહાણ , જયદિપસિંહ જાડેજા, આનંદ ઉર્ફે લાલો સંઘારે કાર એક્ટિવામાં અથડાવ્યા બાદ બોલાચાલી કરી મુઢ માર મારી ચાલ્યા ગયા બાદ તલવાર અને ધોકા જેવા હથિયાર સાથે આવી જાતિ અપમાનિત કરી તેમના સાળાને અને તેમને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવી હુમલો કરનાર પાંચ તેમજ પાંચ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.